સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની ચર્ચા વચ્ચે ભારતનો સ્પષ્ટ સંદેશ વૈશ્વિક સત્તાના સમીકરણમાં ભારતની શરત: વીટો વિના કાયમી બેઠક નહીં! આ બેઠક માટેની ચૂંટણી જૂન ૨૦૨૭માં યોજાવાની છે અને એશિયા-પેસિફિક જૂથમાં ભારતની સામે તાજિકિસ્તાનની દાવેદારી છે
વિશ્વના સૌથી મહત્ત્વના સુરક્ષા મંચ પર ભારતની ભૂમિકા વધારવાની ચર્ચા ફરી તેજ બની છે. જાેકે, ભારત માટે આ લક્ષ્ય માત્ર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કાયમી બેઠક મેળવવા પૂરતું નથી. નવી દિલ્હીની દલીલ છે કે કાયમી સભ્યપદ સાથે ર્નિણય લેવાની સત્તા પણ મળવી જાેઈએ. વીટો પાવર વિના કાયમી સભ્ય બનાવવાની કોઈ વ્યવસ્થા ભારતને સ્વીકાર્ય નથી, કારણ કે તેનાથી નવા સભ્યોને વર્તમાન કાયમી સભ્યોની સરખામણીમાં ઓછા અધિકારો મળશે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ રાજદૂત હરીશ પર્વતાનેનીએ આ મુદ્દે ભારતનું વલણ રજૂ કરતાં જણાવ્યું હતું કે જાે વીટો પાવર ચાલુ રાખવામાં આવે, તો સુધારેલી પરિષદના તમામ કાયમી સભ્યોને સમાન અધિકાર મળવા જાેઈએ.
હાલની વ્યવસ્થામાં અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન અને ફ્રાન્સને વિશેષ સ્થાન મળેલું છે. આ પાંચ દેશો પાસે વીટો પાવર હોવાથી સુરક્ષા પરિષદના મહત્ત્વના બિન-પ્રક્રિયાત્મક ઠરાવને રોકવાની સત્તા ધરાવે છે. પરિણામે, અન્ય સભ્યોનો બહુમતીથી મળેલો ટેકો પણ કોઈ એક કાયમી સભ્યના નકારાત્મક મત સામે નિષ્ફળ થઈ શકે છે.
ભારતનો વાંધો આ જ અસમાનતા સામે છે. જાે નવા દેશોને કાયમી સભ્ય બનાવવામાં આવે, પરંતુ તેમને વીટોનો અધિકાર ન મળે, તો કાયમી સભ્યપદના નામે બે અલગ સ્તરની વ્યવસ્થા ઊભી થશે. આવી સ્થિતિમાં નવા સભ્યોનો દરજ્જાે કાયમી હોવા છતાં તેમનો પ્રભાવ મર્યાદિત રહી શકે છે.
સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના બીજા વિશ્વયુદ્ધ પછી ૧૯૪૫માં થઈ હતી. ત્યારથી વિશ્વની વસ્તી, અર્થતંત્ર, રાજકીય શક્તિ અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં મોટા ફેરફારો થયા છે. ભારતનું માનવું છે કે સુરક્ષા પરિષદનું માળખું પણ આ બદલાયેલી પરિસ્થિતિને અનુરૂપ બનવું જાેઈએ.
ભારતે ૧૯૬૫ના સુધારાનો દાખલો આપ્યો હતો. તે સમયે બિન-કાયમી સભ્યોની સંખ્યા છથી વધારીને દસ કરવામાં આવી, પરંતુ કાયમી સભ્યોની સંખ્યા પાંચ જ રહી. ભારતની દલીલ છે કે માત્ર બિન-કાયમી બેઠકો વધારવાથી સત્તાના મૂળ માળખામાં પરિવર્તન આવતું નથી.
કાયમી સભ્યપદ માટેની લાંબા ગાળાની માગ સાથે ભારત ૨૦૨૮-૨૯ના કાર્યકાળ માટે અસ્થાયી સભ્યપદ મેળવવા પણ પ્રયત્નશીલ છે. ઉપલબ્ધ માહિતી અનુસાર, આ બેઠક માટેની ચૂંટણી જૂન ૨૦૨૭માં યોજાવાની છે અને એશિયા-પેસિફિક જૂથમાં ભારતની સામે તાજિકિસ્તાનની દાવેદારી છે.
આગળનો માર્ગ રાજદ્વારી વાટાઘાટો અને સભ્ય દેશો વચ્ચે સહમતી પર આધારિત રહેશે. ભારત માટે મુખ્ય પડકાર માત્ર સુરક્ષા પરિષદમાં પ્રવેશ મેળવવાનો નથી, પરંતુ વૈશ્વિક ર્નિણયો ઘડવામાં અસરકારક અને સમાન સત્તા ધરાવતું સ્થાન સુનિશ્ચિત કરવાનો છે.




