
રિફિલિંગનું સફળ ટ્રાયલ.વંદે ભારત સ્લીપરને પછાડશે આ ટ્રેન! વીજળી-ડીઝલ નહીં હાઈડ્રોજનથી ચાલશે.આ ટ્રેન ડીઝલ કે ઈલેક્ટ્રિસિટીના બદલે ગ્રીન ફ્યુઅલ હાઈડ્રોજન પર ચાલશે, જેનાથી પ્રદૂષણ શૂન્ય થઈ જશે.ભારતીય રેલવે પર્યાવરણને બચાવવા અને ટેકનોલોજીમાં વિશ્વને ટક્કર આપવા માટે એક ક્રાંતિકારી પગલું ભરી રહી છે. હરિયાણાના જીંદમાં દેશના પ્રથમ હાઈડ્રોજન પ્લાન્ટમાં ટ્રેનના ટેન્કરોમાં હાઈડ્રોજન ભરવાનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ ટ્રેન ડીઝલ કે ઈલેક્ટ્રિસિટીના બદલે ગ્રીન ફ્યુઅલ હાઈડ્રોજન પર ચાલશે, જેનાથી પ્રદૂષણ શૂન્ય થઈ જશે.
દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેનનો પાયલોટ પ્રોજેક્ટ હરિયાણાના જીંદ-સોનીપત રૂટ(આશરે ૯૦ કિમી) પર હાથ ધરવામાં આવશે. રેલવે મંત્રાલયના જણાવ્યા મુજબ, જાન્યુઆરી ૨૦૨૬માં આ ટ્રેનનો ટ્રાયલ રન શરૂ થવાની પૂરી શક્યતા છે. આ માટે જીંદમાં ખાસ હાઈડ્રોજન પ્લાન્ટ તૈયાર કરાયો છે, જ્યાં સ્ટોરેજ અને રિફિલિંગની આધુનિક સુવિધાઓ છે.
ભારતીય રેલવેની આ અત્યાધુનિક હાઈડ્રોજન ટ્રેનમાં કુલ ૨૭ હાઈડ્રોજન સિલિન્ડર લગાવવામાં આવ્યા છે, જેમાં પ્રત્યેક સિલિન્ડર ૮.૪ કિલો ગેસ સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. આ મુજબ, ટ્રેનમાં એકસાથે કુલ ૨૨૬.૮ કિલો હાઈડ્રોજન ભરી શકાય છે.
માઈલેજની વાત કરીએ તો, આ ટ્રેન અંદાજે ૩૬૦ કિલો હાઈડ્રોજનના વપરાશમાં ૧૮૦ કિમી સુધીનું અંતર કાપવા સક્ષમ છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તેને વિશ્વની સૌથી લાંબી અને પાવરફુલ બ્રોડગેજ હાઈડ્રોજન ટ્રેન માનવામાં આવે છે, જે ભારતને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવશે.
ભારતીય રેલવેએ ૨૦૩૦ સુધીમાં ઝીરો કાર્બન ઉત્સર્જન લક્ષ્ય રાખ્યું છે. આ યોજના હેઠળ, હાઈડ્રોજન ટ્રેનોને શરૂઆતમાં પહાડી વિસ્તારો અને હેરિટેજ રૂટ(જેમ કે કાલકા-શિમલા) પર ચલાવવામાં આવશે જેથી ત્યાંના કુદરતી વાતાવરણને કોઈ નુકસાન ન થાય. ભારતે જર્મની, ફ્રાન્સ અને સ્વીડન જેવા દેશોની હાઈડ્રોજન ટેકનોલોજીનો અભ્યાસ કરીને આ ટ્રેન તૈયાર કરી છે. ભારતની આ ટ્રેન અન્ય દેશો કરતા વધુ આધુનિક હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. રેલવેનું લક્ષ્ય છે કે વર્ષ ૨૦૨૮ સુધીમાં આ ટ્રેનનું કોમર્શિયલ ઓપરેશન (સામાન્ય જનતા માટે) શરૂ કરી દેવામાં આવે. ટ્રેનની સાથે સાથે ભારતમાં હવે હાઈડ્રોજન કાર પણ લોન્ચ કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે.




