
છત્તીસગઢના રાયપુર જિલ્લા પોલીસે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ક્રિકેટ મેચમાં સટ્ટાબાજી સામે કાર્યવાહી કરી છે. આ માટે, મહાદેવ એપ દ્વારા ઓનલાઈન સટ્ટાબાજી ચલાવવાના આરોપસર બે રાજ્યોમાં દરોડા પાડીને 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાયપુર જિલ્લા પોલીસે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાથી આઠ અને આસામના ગુવાહાટીથી છ લોકોની ધરપકડ કરી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) પહેલાથી જ છત્તીસગઢમાં મહાદેવ એપ સટ્ટાબાજી કૌભાંડની તપાસ કરી રહી છે.
છત્તીસગઢના રાયપુર ક્ષેત્રના પોલીસ મહાનિરીક્ષક અમરેશ મિશ્રાએ જણાવ્યું હતું કે આ ૧૪ લોકોમાંથી છ છત્તીસગઢના, ત્રણ ઝારખંડના, બે મધ્યપ્રદેશના અને એક-એક પંજાબ, ઉત્તર પ્રદેશ અને બિહારના છે. તેમણે કહ્યું કે 13 એપ્રિલના રોજ પોલીસે રાયપુરમાં સટ્ટાબાજી ચલાવવાના આરોપસર નિખિલ વાધવાનીની ધરપકડ કરી હતી. વાધવાણીના નિવેદનના આધારે, 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

અધિકારીએ જણાવ્યું કે, પોલીસે આરોપીઓ પાસેથી 67 મોબાઈલ ફોન, આઠ લેપટોપ, ચાર રાઉટર, 94 એટીએમ કાર્ડ, 15 સિમ કાર્ડ, 32 બેંક પાસબુક, ત્રણ બેંક ચેકબુક, એક સુરક્ષા કેમેરા અને સટ્ટાબાજીના વ્યવહારોના રેકોર્ડ જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા માલની કિંમત 30 લાખ રૂપિયા છે. તેમણે કહ્યું કે આરોપીઓએ 500 બેંક ખાતાઓ દ્વારા કરોડો રૂપિયાના વ્યવહારો કર્યા છે. આ ખાતાઓ ફ્રીઝ કરવા માટે ટૂંક સમયમાં સંબંધિત બેંકોનો સંપર્ક કરવામાં આવશે.
મિશ્રાએ જણાવ્યું હતું કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ક્રિકેટ મેચ – 2025 ની આ સીઝનમાં અત્યાર સુધીમાં ‘એન્ટિ ક્રાઇમ એન્ડ સાયબર યુનિટ’ ની ટીમે 17 કેસમાં 41 આરોપીઓની ધરપકડ કરી છે. અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓએ સટ્ટાબાજીના નાણાંના વ્યવહારો માટે જે ૧૫૦૦ થી વધુ બેંક ખાતાઓનો ઉપયોગ કર્યો હતો તે ફ્રીઝ કરવા માટે સંબંધિત બેંકોને પત્રવ્યવહાર કરવામાં આવ્યો છે.




