કૅપ્ટન સ્મિત મચ્છાર તમે અમારા અસલી હીરો છો ફાર્મા કંપનીએ કરી ૧ કરોડનું ઇનામ આપવાની જાહેરાત દેશની મોટી દવા કંપનીઓમાંથી એક મેનકાઇન્ડ ફાર્માની કૅપ્ટન સ્મિત મચ્છારને ૧ કરોડનું ઇનામ આપવા જાહેરાત
દેશની મોટી દવા કંપનીઓમાંથી એક મેનકાઇન્ડ ફાર્માએ કૅપ્ટન સ્મિત મચ્છારને ૧ કરોડ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. કંપનીએ તેમને ‘અસલી હીરો’ ગણાવ્યા છે. ફ્લાયદુબઈની આ ફ્લાઇટમાં ૧૭૪ મુસાફરો સવાર હતા અને તે દુબઈથી ઇઝરાયલના તેલ અવીવ જઈ રહી હતી. વિમાન ઊંચાઈ પર હતું ત્યારે કો-પાઇલટે કૅપ્ટન સ્મિત પર જીવલેણ હુમલો કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ, કો-પાઇલટે ફ્લાઇટ દરમિયાન આતંકવાદી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાની તપાસ થઈ રહી છે. ગંભીર હુમલા છતાં ભારતીય પાઇલટ કૅપ્ટન સ્મિતે હિંમત જાળવી રાખી અને કોકપિટનો દરવાજાે ખોલ્યો. ત્યારબાદ મુસાફરો અને અન્ય ક્રૂ સભ્યોએ આરોપી કો-પાઇલટને કાબૂમાં લીધો હતો. મેનકાઇન્ડ ફાર્માએ કૅપ્ટન સ્મિત મચ્છારની હિંમતની પ્રશંસા કરતાં એક કરોડ રૂપિયાના ઇનામની પણ જાહેરાત કરી છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે તેઓ આજના સમયના અસલી હીરો છે. કંપનીએ જણાવ્યું કે, “તમે સમગ્ર દુનિયાની સામે જે સાહસ, શૌર્ય અને જવાબદારીનો પરિચય આપ્યો છે, તેને જાેઈને એક ભારતીય તરીકે અમને ખૂબ ગર્વ છે. આ જ કારણસર મેનકાઇન્ડ ફાર્માએ તમને અને તમારા પરિવારને એક કરોડ રૂપિયાનું યોગદાન આપવાનો ર્નિણય કર્યો છે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્લાયદુબઈના પાઇલટ કૅપ્ટન સ્મિત મચ્છાર સાથે ફોન પર વાત કરીને તેમની હિંમતની પ્રશંસા કરી હતી. શુક્રવારે થયેલી વાતચીત દરમિયાન PM મોદીએ જણાવ્યું કે દેશભરમાં લોકો તેમના લાંબા આયુષ્ય અને ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ગંભીર ઈજાઓ છતાં મુસાફરોના જીવ બચાવવા માટે કૅપ્ટન સ્મિતે જે ર્નિણય લીધો, તેના પર સમગ્ર દેશને ગર્વ છે.
UAE ની સરકારી સમાચાર એજન્સી WAM ના અહેવાલ અનુસાર, સંયુક્ત આરબ અમીરાતના પ્રોસિક્યુટર જનરલે શનિવારે જણાવ્યું હતું કે ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 ના કો-પાઇલટે ઉડાન દરમિયાન આતંકવાદી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. કો-પાઇલટે કોકપિટની અંદર રહેલી ક્રેશ એક્સ વડે પાઇલટ પર હુમલો કર્યો અને વિમાનનો કંટ્રોલ પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ક્રેશ એક્સ સામાન્ય રીતે કોકપિટમાં રાખવામાં આવે છે અને અકસ્માત જેવી ઇમરજન્સી પરિસ્થિતિમાં તેનો ઉપયોગ થઈ શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાની પરિસ્થિતિ, હુમલા પાછળનો હેતુ અને તેની સાથે કોઈ સંબંધ હતો કે નહીં તે જાણવા માટે તપાસ ચાલુ છે. આ સાથે ભૌતિક અને ડિજિટલ પુરાવાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.




