મોદીએ દુનિયાને જણાવ્યું ભારતનું સ્પેસ મિશન ૨૦૩૫ સુધીમાં સ્પેસ સ્ટેશન, ૨૦૪૦ સુધીમાં ચંદ્ર પર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસમાં ચાલી રહેલી ઈન્ટરનેશનલ સ્પેસ સમિટને વર્ચ્યુઅલી સંબોધિત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પેરિસમાં ચાલી રહેલી ઈન્ટરનેશનલ સ્પેસ સમિટ (International Space Summit) ને વર્ચ્યુઅલી સંબોધિત કરી હતી. પોતાના સંબોધનની શરૂઆતમાં વડાપ્રધાન મોદીએ આ સમિટમાં આમંત્રણ આપવા બદલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, સદીઓથી અવકાશ (અંતરિક્ષ/સ્પેસ) આપણી કલ્પનાઓને પ્રેરિત કરતું આવ્યું છે અને આજે તે પૃથ્વી પર જીવ બચાવવામાં પણ મદદરૂપ બની રહ્યું છે. તેમણે કહ્યું કે, “અંતરિક્ષની સંભાવનાઓ અમર્યાદિત છે. આપણી જવાબદારી સામૂહિક છે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “ભારતનો અભિગમ ‘વસુધૈવ કુટુંબકમ’ પર આધારિત છે, એટલે કે ‘એક પૃથ્વી, એક પરિવાર અને એક ભવિષ્ય’. આ ભાવના પૃથ્વીની બહારના અંતરિક્ષ ક્ષેત્રમાં પણ પહોંચવી જાેઈએ. અમે આંતરરાષ્ટ્રીય કાયદા પર આધારિત એક સુરક્ષિત અને ટકાઉ અંતરિક્ષ ક્ષેત્રનું સમર્થન કરીએ છીએ.” તેમણે વધુમાં કહ્યું કે, “વૈજ્ઞાનિક ડેટાનો ઉપયોગ ઈમાનદારી સાથે એક સહિયારા લક્ષ્ય માટે કરવો જાેઈએ. ભારતની અંતરિક્ષ યાત્રા (અવકાશ યાત્રા) પણ આ વિચારને પ્રતિબિંબિત કરે છે.” પીએમ મોદીએ ભારતીય સ્પેસ એજન્સી ઈસરો (ISRO)ની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, “ઈસરો (ISRO)ની ટેક્નોલોજી અને પાર્ટનરશિપ માત્ર ભારત માટે જ નહીં, પરંતુ આખી દુનિયા માટે ઉપયોગી થાય છે. આ વૈશ્વિક વિશ્વાસ પાછળ ભારતીય વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને ટેક્નિશિયનોની અનેક પેઢીઓની મહેનત અને સમર્પણ છે. દિવસ-રાત કામ કરીને તેમણે ઈસરોની સાખ બનાવી છે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ટરનેશનલ સ્પેસ સમિટ દરમિયાન ભારતના અંતરિક્ષ મિશન (સ્પેસ મિશન) વિશે પણ દુનિયાને જણાવ્યું. તેમણે કહ્યું કે, “ચંદ્રયાન-૩એ ભારતને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સફળતાપૂર્વક ઉતરનાર પ્રથમ દેશ બનાવ્યો. આદિત્ય-ન્૧ સૂર્યના રહસ્યોનો અભ્યાસ (સ્ટડી) કરી રહ્યું છે. ગયા વર્ષે એક ભારતીય અંતરિક્ષયાત્રીએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાત લીધી હતી.”
ભારતની અંતરિક્ષ યાત્રાના ભવિષ્ય વિશે વાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે, “આગળની વાત કરીએ તો અમારું લક્ષ્ય ૨૦૩૫ સુધીમાં ભારતીય અંતરિક્ષ સ્ટેશન (ભારતીય સ્પેસ સ્ટેશન) સ્થાપિત કરવાનું અને ૨૦૪૦ સુધીમાં કોઈ ભારતીયને ચંદ્ર પર મોકલવાનું છે.”




