
“થેન્ક્યુ બેટા, તેં મને ભાવુક કરી દીધો” બંગાળમાં ચૂંટણી રેલી દરમિયાન ઇમોશનલ થયા વડાપ્રધાન મોદી નાનો બાળક પોતાની સાથે વડાપ્રધાન અને તેમની માતાની તસવીર લઈને આવ્યો હતો : માતાની તસવીર જાેઈને તેઓ ભાવુક થઈ ગયા
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી નજીક છે. એવામાં રાજકીય પક્ષોની તૈયારીઓ પૂર ઝડપે ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરવા આજે પશ્ચિમ બંગાળ પહોંચ્યા છે. તેમણે પુરુલિયામાં જનમેદનીને સંબોધિત કરી હતી. આ દરમિયાન પીએમ મોદી ભાવુક જાેવા મળ્યા હતા. પીએમ મોદીએ પુરુલિયામાં પોતાનું ચૂંટણી ભાષણ રોકીને એક નાના બાળક સાથે વાત કરી હતી. મીડિયાને આપેલા એક ખાસ ઇન્ટરવ્યૂમાં બાળક અને તેની માતાએ પોતાનો અનુભવ શેર કર્યો હતો.
ચૂંટણી પ્રચાર દરમિયાન પુરુલિયા જિલ્લાના રાયબાઘિની મેદાનમાં પહોંચેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અચાનક ભાવુક થઈ ગયા હતા. પોતાના ભાષણની વચ્ચે તેમણે એક નાના બાળક ચિરાગ પર ધ્યાન આપ્યું અને તરત જ પોતાની વાત રોકી દીધી.
જણાવવામાં આવી રહ્યું છે કે, નાનો બાળક પોતાની સાથે વડાપ્રધાન અને તેમની માતાની તસવીર લઈને આવ્યો હતો. આ જાેઈને વડાપ્રધાને એસપીજીને નિર્દેશ આપીને તે તસવીર પોતાની પાસે મંગાવી અને કહ્યું કે, માતાની તસવીર જાેઈને તેઓ ભાવુક થઈ ગયા.
સભા પૂરી થયા પછી તે નાના બાળક ચિરાગ અને તેની માતાએ જણાવ્યું કે, મોદીજીએ તેમની સાથે વાત કરી, જેનાથી તેઓ ખૂબ ખુશ છે. ચિરાગે જણાવ્યું કે, પીએમ મોદીએ તેને કહ્યું છે કે તેઓ તેને પત્ર લખશે.
પશ્ચિમ બંગાળની ૨૯૪ બેઠકો માટે બે તબક્કામાં મતદાન થવાનું છે. રાજ્યમાં ૨૩ એપ્રિલ, ૨૦૨૬ના રોજ ૧૫૨ બેઠકો પર અને ૨૯ એપ્રિલ, ૨૦૨૬ના રોજ ૧૪૨ બેઠકો પર મતદાન કરાવવામાં આવશે. તેમજ ૪ મે, ૨૦૨૬ના રોજ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીમાં મુખ્ય ટક્કર સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે જાેવા મળી રહી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાની ચોથી ઇનિંગ માટે કમર કસી રહ્યા છે. જ્યારે ભાજપ શુભેન્દુ અધિકારીના નેતૃત્વમાં ચૂંટણી મેદાનમાં છે.





