
સમગ્ર દેશમાં વર્ષ ૨૦૧૬થી પ્રતિ વર્ષ ૧૬ મે – “રાષ્ટ્રીય ડૅન્ગ્યુ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ ડૅન્ગ્યુ રોગના અસરકારક નિયંત્રણ માટે જનજાગૃતિ કેળવી જનસમુદાયની સક્રિય ભાગીદારી મેળવવાનો છે. આ વર્ષે ૧૧મા રાષ્ટ્રીય ડૅન્ગ્યુ દિવસની થીમ “Community Participation Dengue Control: Check, Clean and Cover” (સમુદાયની ભાગીદારી થકી ડૅન્ગ્યુ નિયંત્રણ કરીએ: તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ) નિર્ધારિત કરવામાં આવી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં રાજ્ય સરકાર ડૅન્ગ્યુ નિયંત્રણ માટે સતર્ક છે. રાષ્ટ્રીય ડૅન્ગ્યુ દિવસ” અંગે પ્રતિભાવ આપતા આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, “રાજ્ય સરકાર ડૅન્ગ્યુના અટકાયતી પગલાંઓ માટે સંપૂર્ણ સજ્જ છે, પરંતુ આ લડાઈમાં જનસમુદાયનો સાથ અને સહકાર અત્યંત અનિવાર્ય છે. ” મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યુ કે, રાજ્યમાં ‘હાઉસ ટુ હાઉસ’ સર્વે સહીતના અભિયાનો દ્વારા ડૅન્ગ્યુને નિયંત્રિત કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આરોગ્ય વિભાગના આગોતરા આયોજનના ભાગરૂપે ૨૭ એપ્રિલ થી ૦૬ મે ૨૦૨૬ દરમિયાન રાજ્યવ્યાપી “હાઉસ ટુ હાઉસ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડૅન્ગ્યુથી કેવી રીતે બચવું ?
ડૅન્ગ્યુ એ એડીસ ઇજીપ્તી મચ્છર દ્વારા ફેલાતો રોગ છે, જે ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકે છે. જેથી પાણીના પાત્રો જેમ કે, ફ્રિઝની ટ્રે, એર કુલર, પક્ષીકુંજ અને કુંડા નીચેની ટ્રે દર અઠવાડિયે ખાલી કરી, ઘસીને સાફ કરવી.
મચ્છરના ડંખથી બચવા આખી બાંયના કપડાં પહેરવા અને રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરવો.
ઘરની આસપાસ ભંગાર, ટાયર કે નાળિયેરની કાચલીઓ જેવી વસ્તુઓ ખુલ્લામાં ન રાખવી જ્યાં પાણી ભરાઈ રહે
સખત તાવ કે સાંધાના દુખાવા જેવા લક્ષણો જણાય તો જાતે દવા લેવાને બદલે નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ખાસ કરીને ડૅન્ગ્યુની આશંકા હોય ત્યારે એસ્પિરિન (Aspirin) દવાનો ઉપયોગ ન કરવો.
આ અભિયાન અંતર્ગત કુલ ૨૩,000થી વધુ ટીમો દ્વારા 2 કરોડથી વધુ ઘરો, ઓફિસો અને ઔદ્યોગિક વસાહતોની મુલાકાત લેવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 1 લાખથી વધુ ઘરોમાં મચ્છરના પોરા (Larvae) મળી આવ્યા હતા અને તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આશરે 27 લાખથી વધુ સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નિકાલ કરવામાં આવ્યો હતો તેમજ 2.56 લાખ જેટલા તાવના દર્દીઓના લોહીના નમૂના લઈ જરૂરી તપાસ હાથ ધરવામાં આવી હતી.





