
સુપ્રીમ કોર્ટની નારાજગી બાદ NCERT મહત્ત્વનો ર્નિણય પાઠ્ય પુસ્તકમાંથી ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ પ્રકરણ હટાવાયું આ પુસ્તકના એક પ્રકરણમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અને કેસોના મોટા બેકલોગ અંગે ટિપ્પણી કરાઈ હતી, જેના કારણે ન્યાયિક ક્ષેત્રમાં ભારે રોષ જાેવા મળ્યો શિક્ષણ જગત અને ન્યાયતંત્ર વચ્ચે સર્જાયેલા વિવાદ બાદ NCERT(નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) દ્વારા ધોરણ -૮ના સામાજિક વિજ્ઞાનના નવા પુસ્તક એક્સપ્લોરિંગ સોસાયટી: ઈન્ડિયા એન્ડ બિયોન્ડ(પાર્ટ-૨)ના વેચાણ પર તાત્કાલિક અસરથી રોક લગાવી દેવામાં આવી છે. શિક્ષણ મંત્રાલયના સૂત્રોએ આ માહિતીની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે મંગળવારથી જ આ પુસ્તક બજારમાંથી પાછું ખેંચી લેવામાં આવ્યું છે. આ પુસ્તકના એક પ્રકરણમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અને કેસોના મોટા બેકલોગ અંગે ટિપ્પણી કરવામાં આવી હતી, જેના કારણે દેશના ન્યાયિક ક્ષેત્રમાં ભારે રોષ જાેવા મળ્યો છે.
આ વિવાદની ગંભીરતા ત્યારે વધી જ્યારે ભારતના ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતે આ બાબતે કડક વલણ અપનાવ્યું. બુધવારે કોર્ટમાં વરિષ્ઠ વકીલો અભિષેક મનુ સિંઘવી અને કપિલ સિબલ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કપિલ સિબલે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, ધોરણ ૮ના વિદ્યાર્થીઓને ન્યાયતંત્ર ભ્રષ્ટ છે એવું ભણાવવામાં આવે તે અત્યંત પરેશાન કરનારી બાબત છે. તેના જવાબમાં CJI સૂર્યકાંતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, હું કોઈને પણ આ સંસ્થાને બદનામ કરવાની મંજૂરી આપીશ નહીં. આ એક ગંભીર બાબત છે અને આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો તે હું સારી રીતે જાણું છું.
નવા પુસ્તકમાં સમાવિષ્ટ આ વિવાદાસ્પદ પ્રકરણમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, સામાન્ય લોકો ન્યાયતંત્રના વિવિધ સ્તરો પર ભ્રષ્ટાચારનો અનુભવ કરે છે, જેના કારણે ગરીબ અને વંચિત લોકો માટે ન્યાય મેળવવો મુશ્કેલ બની જાય છે. આ સાથે જ ૨૦૧૭થી ૨૦૨૧ દરમિયાન મળેલી અંદાજે ૧,૬૦૦ જેટલી ફરિયાદોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જાેકે, જૂના પુસ્તકોમાં ન્યાયતંત્રની સ્વતંત્રતા અને માળખા વિશે જ માહિતી હતી, તેમાં ભ્રષ્ટાચાર જેવો કોઈ ઉલ્લેખ નહોતો.
સુપ્રીમ કોર્ટે NCERT ધોરણ ૮ના નવા પાઠ્યપુસ્તકમાં ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર અને પેન્ડિંગ કેસો અંગેના પ્રકરણ સામે સુઓ મોટો લઈને કડક નારાજગી વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે આ મામલે અત્યંત ગંભીર વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે તેઓ ન્યાયતંત્રને બદનામ કરવાની મંજૂરી કોઈને પણ આપશે નહીં અને આ પગલું તેમને ઈરાદાપૂર્વકનું લાગી રહ્યું છે. આ વિવાદ ત્યારે વકર્યો જ્યારે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટનું ધ્યાન દોર્યું કે નાના વિદ્યાર્થીઓને ન્યાયતંત્ર ભ્રષ્ટ હોવાનું ભણાવવું એ ચિંતાનો વિષય છે, જ્યારે જસ્ટિસ બાગચીએ તેને બંધારણના મૂળભૂત માળખા વિરુદ્ધ ગણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, NCERT નવા સિલેબસમાં અદાલતોમાં અંદાજે ૫ કરોડથી વધુ પેન્ડિંગ કેસો, ન્યાયાધીશોની અછત અને ભ્રષ્ટાચારને ન્યાયિક પ્રણાલીના પડકારો તરીકે દર્શાવવામાં આવ્યા હતા. જાેકે, શિક્ષણ અને ન્યાયિક ગરિમા વચ્ચે સંતુલન જાળવવું અત્યંત મહત્ત્વનું હોવાથી, હાલમાં શિક્ષણ ક્ષેત્રે પારદર્શિતા જળવાય અને ન્યાયતંત્રનું મહત્ત્વ ઓછું ન થાય તે હેતુથી હાલ આ પુસ્તકને સુધારા માટે પાછું ખેંચી લેવામાં આવ્યું છે.




