ભુજ-અમદાવાદથી થઈને ૩ રાજ્યો સુધી ખેડશે સફર ૩૦ ઓક્ટોબરે પીએમ મોદી કરશે નવી ટ્રેનનું ઉદ્ઘાટન મોદી બરૌની-ભુજ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનનું ઉદ્ઘાટન કરશે : ટ્રેન એક મુસાફરીમાં ૨,૫૩૨ કિમી અંતર કાપશે ગુજરાત અને બિહાર વચ્ચે મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ ઓક્ટોબરે ભુજ-બરૌની અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનનું ઉદ્ઘાટન કરશે. આ ટ્રેન એક તરફની મુસાફરીમાં ૨,૫૩૨ કિલોમીટરનું અંતર કાપશે. રેલવે મંત્રાલયે ૨૫ સપ્ટેમ્બરે જ આ ટ્રેનને મંજૂરી આપી હતી. આ ટ્રેન અઠવાડિયામાં ત્રણ દિવસ દોડશે. ભુજથી દર સોમવાર, બુધવાર અને શનિવારે ટ્રેન ઉપડશે, જ્યારે બરૌનીથી મંગળવાર, ગુરુવાર અને શનિવારે રવાના થશે. બરૌનીથી રાત્રે ૧૧:૫૫ વાગ્યે ઉપડતી ટ્રેન બીજા દિવસે બપોરે ૧:૧૫ વાગ્યે ભુજ પહોંચશે. એક તરફની મુસાફરી પૂરી કરવામાં લગભગ ૬૧ કલાક અને ૨૦ મિનિટ લાગશે.
ભુજ-બરૌની અમૃત ભારત એક્સપ્રેસ ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર થઈને પસાર થશે. ઉત્તર પ્રદેશના મથુરા, હાથરસ, બરેલી, ઇજ્જતનગર, પીલીભીત, લખીમપુર ખેરી, ગોંડા અને ગોરખપુર સહિતના વિસ્તારોને તેનો લાભ મળશે. આ ઉપરાંત બિહાર અને રાજસ્થાનના અનેક જિલ્લાઓ પણ આ ટ્રેનના રૂટ સાથે જાેડાશે.
અમૃત ભારત એક્સપ્રેસ લાંબા અંતરની મુસાફરી માટે બનાવવામાં આવેલી ટ્રેન છે. આપેલી માહિતી અનુસાર, આ ટ્રેનમાં સ્લીપર ક્લાસના કોચ હશે. ટ્રેન શરૂ થવાથી ગુજરાત અને બિહાર વચ્ચે મુસાફરી કરતા મુસાફરોને સીધી રેલવે કનેક્ટિવિટીનો લાભ મળશે.




