(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
આજે દેશભરમાં પ્રાઈવેટ હોસ્પિટલો હવે દર્દીઓ માટે જાણે કે કસાઈ ખાના સાબિત થઈ રહી હોય એટલી હદે આ ખાનગી હોસ્પિટલોના સંચાલકો દર્દીઓને દવાઓના ભાવમાં ખુલ્લી લૂંટ કરી રહ્યા છે. અને આ સમગ્ર મામલો ત્યારે ચર્ચામાં આવ્યો, જ્યારે તાજેતરમાં મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના કમિશનર તુકારામ મુંડે એ એક અહેવાલમાં આ છુપાયેલા સત્યનો પર્દાફાશ કર્યો અને આ મામલે કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની માંગણી કરવામાં આવી.
મહારાષ્ટ્રના FDA કમિશનર તુકારામ મુંડેએ સોશિયલ મીડિયા પર આ મુદ્દો ઉઠાવ્યો હતો અને સમજાવ્યું હતું કે આ સમસ્યા માળખાકીય ખામી છે. ડ્રગ્સ (ભાવ નિયંત્રણ) ઓર્ડર, ૨૦૧૩, પ્રિસ્ક્રિપ્શન દવાઓના ભાવોને મર્યાદિત કરે છે, જોકે મોટા ભાગના તબીબી ઉપકરણો અને ઉપભોગ્ય વસ્તુઓ આ નિયંત્રણની બહાર છે. આનો અર્થ એ છે કે તેમની કિંમતો અને નિયમન સંબંધિત માહિતી લગભગ સંપૂર્ણપણે અનિયંત્રિત છે.
હાલમાં એક હિન્દી અખબારે દિલ્હીની ઘણી મોટી હોસ્પિટલોના મેડિકલ સ્ટોર્સમાં ઉત્પાદનોના ભાવની સરખામણી બજારની અન્ય દુકાનો સાથે કરી ત્યારે તેમાં આઠથી દસ ગણો તફાવત જોવા મળ્યો હતો. ગુરુનાનક હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી એક નર્સે 'પેશાબની થેલી' ખરીદી અને તેના માટે ૧૦૦ રૂપિયા લેવામાં આવ્યા. સંજીવની હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં તેની કિંમત ૩૪૦ રૂપિયા હતી. અને અનૂપ હોસ્પિટલમાં તેની કિંમત ૬૦૦ રૂપિયા હતી. હકીકતમાં, સારી ગુણવત્તાવાળા પેશાબની થેલી ૮૦ રૂપિયામાં મળે છે.
આમ દવાઓ અને ઉપકરણોના મામલે લૂંટફાટ ચાલી રહી છે તેવા અહેવાલોના પગલે કેન્દ્ર સરકારની ઊંઘ ઊડી ગઈ છે. સરકાર હવે ભાવોની સમીક્ષા કર્યા બાદ કાર્યવાહીનો નિર્ણય લેશે.




