(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
આજના જમાનામાં દરેક જણ પછી એ નાના કે મોટા કેમ ના હોય એમને સોશ્યલ મીડિયા પર લાઈક્સ અને વ્યુઝ મેળવવાની એટલી ઘેલછા વધી ગઈ છે કે જેની કોઈ સીમા જ નથી. અને એમાં લોકો એટલી હદે બેદરકાર બની શકે છે એનો અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એમાં દરિયા કિનારે રીલ બનાવવામાં મશગૂલ બનેલા એક દંપતીએ પોતાની નાનકડી દીકરી દરિયાનાં મોજાં વચ્ચે ફંગોળાઈ રહી હોવાનું પણ ધ્યાનમાં ન લીધું. સદનસીબે ત્યાંથી પસાર થઈ રહેલા એક માણસની નજર પડતાં તેણે દોડીને માસૂમ બાળકીને દરિયાનાં ઉછળતાં મોજાંમાંથી તણાતી બચાવી હતી. વાઈરલ થયેલા આ વિડિયો ફૂટેજમાં મમ્મી-પપ્પાની ઘોર બેદરકારી
સ્પષ્ટપણે કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પતિ હાથમાં સેલ્ફી સ્ટિક લઈને વિડિયો બનાવી રહ્યો હતો. અને પત્ની બાળકીનો હાથ પકડીને મોજાંની એકદમ નજીક ચાલી રહી હતી. અચાનક બાળકી મમ્મીની પકડમાંથી છૂટી ગઈ અને ભીની રેતી પર નીચે પડી ગઈ. તેણે પાછળ વળીને જોયું પણ ખરું પરંતુ બાળકીને ઊભી કરવાને કે બચાવવાને બદલે તે તરત જ ફરીથી કેમેરા સામે મોં ફેરવીને હસતાં હસતાં પોઝ આપવા લાગી.
પપ્પા પણ સતત કેમેરામાં જોઈને વિડિયો ઉતારવામાં જ વ્યસ્ત હતા. આ દરમ્યાન દરિયાનાં જોરદાર મોજાં બાળકીની ઉપર ફરી વળ્યાં અને તે પાણીમાં ખેંચાવા લાગી. જોકે એક માણસની નજર આ દ્રશ્ય પર પડતાં તેણે જરાય સમય ગુમાવ્યા વગર દોટ મૂકી અને મોજાં વચ્ચે તરફડિયાં મારતી બાળકીને પોતાના હાથમાં ઊંચકી લીધી. જો એ સમયે તે રાહદારી હાજર ન હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. દરેકે આ કિસ્સો સમજવા જેવો છે.




