ચેન્નાઈ મેટ્રો ફેઝ-૨નું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીની તમિલનાડુને ૧૩,૦૦૦ કરોડની મોટી ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તમિલનાડુના પ્રવાસે છે, જ્યાં તેમણે આજે અનેક પ્રોજેક્ટ્સના ઉદ્ધાટન કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારે તમિલનાડુના પ્રવાસે છે. જ્યાં તેમણે આજે અનેક પ્રોજેક્ટ્સના ઉદ્ધાટન કર્યા. આ દરમિયાન તેમણે તમિલનાડુના લોકોને સંબોધતા કહ્યું કે, તમારા બધાની સાથે ચેન્નાઈમાં હોવું એ એક આનંદની વાત છે. તમિલનાડુ માટે આ એક ઐતિહાસિક દિવસ છે. આજના કાર્યક્રમમાં ૧૩ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ સામેલ છે. અમે ઘણા પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ અને નવા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરી રહ્યા છીએ. કેટલાક દૈનિક મુસાફરીને સરળ બનાવશે. અન્ય ઉદ્યોગ અને વેપારને મજબૂત બનાવશે. સાથે મળીને, તેઓ સમગ્ર તમિલનાડુમાં યુવાનો માટે નોકરીઓનું સર્જન કરશે. હું આ પ્રસંગે રાજ્યના લોકોને અભિનંદન આપું છું.
તેમણે કહ્યું કે, આજથી નવરાત્રિના પાવન પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રિનો આ પુણ્ય અવસર અને શિવની સાથે-સાથે શક્તિની પવિત્ર ભૂમિ તમિલનાડુ, અને આ કાર્યક્રમમાં આવ્યા પહેલા મને જલકંડેશ્વર મંદિરમાં ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પણ મળ્યું છે. હું તમિલનાડુની તીર્થભૂમિથી, તમામ દેશવાસીઓને નવરાત્રિની હાર્દિક શુભેચ્છાઓ આપું છું. આજે ભારત રત્ન જયપ્રકાશ નારાયણજી અને ભારત રત્ન નાનાજી દેશમુખની જન્મજયંતિ પણ છે. આ બંને વિભૂતિઓનું જીવન, આપણને રાષ્ટ્ર સેવા પ્રત્યે વધુ સમર્પણથી કામ કરવાની પ્રેરણા આપે છે. હું આ મંચ પરથી આ બંને મહાન વિભૂતિઓને નમન કરું છું.
PM મોદીએ કહ્યું કે, હમણાં થોડીવાર પહેલાં, આઈઆઈટી મદ્રાસમાં, મને ત્યાંના બ્રેન રિસર્ચ સેન્ટરમાં જવાની તક મળી છે. આ ફીલ્ડમાં થનારા સંશોધન, પબ્લિક હેલ્થની ફીલ્ડમાં અનેક નવી તકો પેદા કરી શકે છે. આ મુલાકાત ઉપરાંત, મને ચેન્નાઈ મેટ્રોના વધુ એક સ્ટ્રેચને પણ જનતાને સમર્પિત કરવાની તક મળી છે. મંદિરથી મેટ્રો સુધી, તમિલનાડુના આ અનુભવો, આ જ આજના ભારતની સ્પ્રિટ છે. ભારત પોતાની સાંસ્કૃતિક શક્તિથી પ્રેરણા લે છે, વિજ્ઞાનની પ્રગતિથી આગળ વધે છે, અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા નવી તકોનું નિર્માણ કરી રહ્યું છે. અહિયાં આપણી વિરાસત અને ભવિષ્યની આપણી આકાંક્ષાઓ, સાથે-સાથે આગળ વધી રહી છે.
તેમણે કહ્યું કે, કેટલાક દિવસો પહેલાં જ, આપ સૌના આશીર્વાદથી, દેશવાસીઓના પ્રેમના કારણે, હેડ ઑફ ધ ગવર્નમેન્ટ તરીકે, મેં ૨૫ વર્ષનો એક મહત્વપૂર્ણ તબક્કો પાર કર્યો છે. ઓક્ટોબર ૨૦૦૧માં મેં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. અને ત્યારથી, દેશવાસીઓએ સીએમ અને પછી પીએમ તરીકે સેવા કરવાની તક આપી છે. ૨૫ વર્ષના આ કાળખંડમાં, ડેમોક્રેસીની બે શક્તિઓમાં મારો વિશ્વાસ સતત મજબૂત થયો છે. પ્રથમ દેશના લોકો અને બીજું સહકારી લોકશાહી! હું હંમેશા રાજ્યના વિકાસથી દેશના વિકાસનો મંત્ર લઈને ચાલ્યો. મુખ્યમંત્રી તરીકે, મેં રાજ્યોની અપેક્ષાઓને જાતે સમજી. એટલા માટે, પ્રધાનમંત્રી બન્યા પછી મેં ન માત્ર તે મહત્વાકાંક્ષાઓને પૂરી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ કોશિશ પણ કરી, કે દરેક રાજ્ય પોતાના એસ્પિરેશનલ ગોલ્સને પૂરા કરી શકે. મુખ્યમંત્રી રહેતા મને ઘણી વાર કરુણાનિધિજી અને અમ્મા જયલલિતાજી સાથે સંવાદ કરવાની તક મળી હતી અને જ્યારે હું પીએમ બન્યો ત્યારે પણ, જયલલિતાજી, ઓ. પન્નીરસેલ્વમજી, ઈ. પલાનીસ્વામીજી અને એમ.કે. સ્ટાલિનજી, આ નેતાઓ સાથે કામ કરવાની તક મને મળી. સરકારો બદલાતી રહી, પરંતુ, તમિલનાડુના વિકાસ અને અહીંના લોકોની સેવાનો મારો સંકલ્પ હંમેશા અટૂટ રહ્યો. અને આજે, આ જ સંકલ્પ સાથે, અમે મુખ્યમંત્રી જાેસેફ વિજયજી સાથે મળીને, તમિલનાડુના વિકાસની આ યાત્રાને આગળ વધારી રહ્યા છીએ.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે તમિલનાડુમાં શહેરી વિકાસ આપણી એક મોટી પ્રાથમિકતા છે. મારૂં હંમેશા એ માનવું રહ્યું છે, શહેરીકરણ એક ચેલેન્જ નહીં, પરંતુ એક તક છે. અને, એમાં જાહેર પરિવહનની ખૂબ મોટી ભૂમિકા હોય છે. ટ્રાન્સપોર્ટેશન સારું હોય, તો એનાથી લોકોની જીવન જીવવાની સરળતા વધે છે. આપણને સૌને ખબર છે, સારા ટ્રાન્સપોર્ટેશન માટે માત્ર રસ્તાઓ પહોળા કરવા પૂરતા નથી હોતા! આધુનિક શહેરોમાં આપણને holistic infrastructure ની જરૂર હોય છે અને એટલા માટે… વીતેલા એક દાયકામાં, અમે આખા દેશમાં મેટ્રો નેટવર્કનો ખૂબ મોટો વિસ્તાર કર્યો છે.
૨૦૧૪માં, દેશના માત્ર પાંચ શહેરોમાં મેટ્રો ચાલતી હતી. આજે, દેશના ૨૫ શહેરોમાં મેટ્રોની સર્વિસીસ ઓપરેટ કરવામાં આવે છે. ૨૦૧૪માં દેશનું મેટ્રો નેટવર્ક ૨૫૦ કિમીની આસપાસ હતું, ૨૫૦ કિમી. આજે આ નેટવર્ક ૧૧૦૦ કિમીથી વધુ થઈ ચૂક્યું છે. મને પ્રસન્નતા છે કે આજે ચેન્નાઈ મેટ્રોના આ એક્સપાન્શનથી, આ નેટવર્ક વધુ મોટું થઈ રહ્યું છે. અને આ કામ એટલા માટે કરવામાં આવ્યું છે, જેથી ચેન્નાઈમાં રહેતા સામાન્ય જન, અહીંના વર્કિંગ ફેમિલીઝ, અહીંના સ્ટુડન્ટ્સ, અને સિનિયર સિટીઝન્સ, સૌની સફર સરળ થાય, તેમની યાત્રા થોડા સમયમાં પૂરી થઈ શકે.
આપણે આપણા રાજ્યોને સશક્ત બનાવીને ભારતને સશક્ત બનાવવાનું છે. એટલા માટે જ, કેન્દ્ર સરકાર, તમિલનાડુ જેવા રાજ્યોમાં મેન્યુફેક્ચરિંગને પ્રમોટ કરી રહી છે. તમિલનાડુનું મેન્યુફેક્ચરિંગ સેક્ટર, અહીંના લઘુ ઉદ્યોગ, એમાં કામ કરનારા દરેક વ્યક્તિ પર દરેક ભારતીયને ગર્વ છે. અને આજે કેન્દ્ર સરકારના અભિયાન, ભલે તે મેક ઈન ઈન્ડિયા હોય કે વોકલ ફોર લોકલ, તે તમિલનાડુને પણ લાભ પહોંચાડી રહ્યા છે.
તેમણે કહ્યું કે, આજે કંપોનન્ટ્સથી ટેક્નોલોજી અને ફિનિશ પ્રોડક્ટનું, દરેક રાજ્યમાં કેન્દ્ર સરકાર પૂરી પ્રોડક્ટ ચેઈનને મજબૂત કરી રહી છે, અને આ જ કોશિશોનું પરિણામ છે, આજે આપણે દુનિયાના દ્વિતિય સૌથી વિશાળ મોબાઈલ ઉત્પાદક છીએ. ૨૦૧૪થી અત્યાર સુધી, આપણા ઈલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટ ૧૧ ગણા વધ્યા છે. આપણા ડિફેન્સ એક્સપોર્ટસ, ૫૦ ગણા વધ્યા છે અને આપણા એન્જિનિયરિંગ એક્સપોર્ટસે પણ નવો રેકોર્ડ બનાવ્યો છે.




