દેશવ્યાપી આંદોલનની તૈયારી શિક્ષણ વ્યવસ્થા મુદ્દે કેન્દ્ર સરકાર પર રાહુલ ગાંધીના આકરા પ્રહાર ૧૩ દિવસથી ગૃહમંત્રી મૌન છે, જ્યારે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરાયો : કોંગ્રેસ પક્ષ આ મુદ્દાને શાંત થવા દેશે નહીં
દેશમાં પેપર લીક અને કથળતી જતી શિક્ષણ વ્યવસ્થાને લઈને રાજકારણ ફરી એકવાર ચરમસીમા પર પહોંચ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતા ચેડાંના મુદ્દા પર કેન્દ્ર સરકાર, ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી પર આકરા પ્રહારો કર્યા છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા ઠ પર એક પોસ્ટ લખીને સ્પષ્ટ કર્યું કે, કોંગ્રેસ પક્ષ આ મુદ્દાને શાંત થવા દેશે નહીં. રાહુલે ઠ પર લખ્યું, હવે મારી પાસે કોઈ રસ્તો બચ્યો નથી, ગઈકાલે પ્રયાગરાજમાં એક વિદ્યાર્થીએ મને આ જ કહ્યું. વર્ષોની તૈયારી, ઘરની જમીન વેચી, માતા-પિતાનું દેવું અને છતાં હાથમાં કંઈ નહીં. આ હાર તેની નથી. આ એ વ્યવસ્થાની હાર છે, જેણે તેની મહેનતનું મૂલ્ય આપવાનો ઇનકાર કરી દીધો.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓનું આ દર્દ કોઈ એક વ્યક્તિનું નથી, પરંતુ સમગ્ર દેશના લાખો યુવાનોનું છે, જેઓ વર્ષો સુધી સખત મહેનત કરવા છતાં પેપર લીક અને વહીવટી બેદરકારીનો ભોગ બની રહ્યા છે. પોતાના ટ્વિટમાં રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી પર નિશાન સાધ્યું. રાહુલે આરોપ લગાવ્યો કે, આટલા ગંભીર સંકટ છતાં સરકાર તરફથી કોઈ નક્કર કાર્યવાહી કે, નિવેદન આવ્યું નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ સંવેદનશીલ મુદ્દા પર ૧૩ દિવસ વીતી ગયા હોવા છતાં ગૃહમંત્રી એક શબ્દ પણ નથી બોલ્યા.
રાહુલે વધુમાં કહ્યું કે, દિલ્હીના જંતર મંતરના રસ્તાઓ પર પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવી રહેલા વિદ્યાર્થીઓ અને બાળકો પર લાઠીઓ વરસાવવામાં આવી, અને પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ સરકાર મૌન રહી.
રાહુલ ગાંધીએ કહ્યું, ગૃહમંત્રી જી, એવું ન વિચારતા કે અમે જવાબ માંગવાનું બંધ કરી દેશું. આજે નહીં તો કાલે, આ ગુનાનો જવાબ તમારે આપવો જ પડશે. વિદ્યાર્થીઓ દેશની રોશની છે, અને હું તેમની પૂરી શક્તિ સાથે ઊભો છું. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધી આગામી દિવસોમાં પેપર લીક, રાષ્ટ્રીય પરીક્ષાઓમાં ગડબડ અને યુવાનોના રોજગારના મુદ્દાને શાંત થવા દેશે નહીં. પક્ષના જાણકારોનું કહેવું છે કે, વિદ્યાર્થીઓની આ માંગ અને શિક્ષણ નીતિને લઈને હવે આક્રમક ઝુંબેશ યોજવામાં આવશે.
વર્ષ ૨૦૨૪માં રાહુલ ગાંધીએ બંધારણનો મુદ્દો જાેરશોરથી ઉઠાવ્યો હતો, અને હવે કોંગ્રેસ નવી રણનીતિ સાથે પેપર લીક તેમજ ખાસ કરીને લાઠીચાર્જ અને પેલેટ ગનના મુદ્દાને આગળ વધારી રહી છે.





