
બેઠકમાં ખેડૂત સંઘના નેતાઓએ વિરોધ નોંધાવ્યો રાહુલ ગાંધીએ ખેડૂત સંઘના નેતાઓ સાથે મુલાકાત કરી ભારત-અમેરિકા વચ્ચે વચગાળાના સમજૂતી કરારનો વિરોધ કરવા માટે દેશવ્યાપી આંદોલનની ચર્ચા કરાઈ
કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટ્રેડ ડીલ મામલે મોદી સરકારનો ભારે વિરોધ કર્યા બાદ અચાનક ખેડૂત સંઘના નેતાઓ સાથે મુલાકાત કરી છે. તાજેતરમાં અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ થઈ હતી, ત્યારબાદથી રાહુલ ગાંધી મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, આ ડીલના કારણે ખેડૂતોની રોજગારી છિનવાશે અને દેશની ખાદ્ય સુરક્ષાને પણ નબળી પાડશે. તેમણે લોકસભામાં ભાષણ કરતી વખતે ડીલને ખેડૂત વિરોધી ગણાવી હતી.
રાહુલ ગાંધીએ શુક્રવારે (૧૩ ફેબ્રુઆરી) સંસદ ભવનના પરિષદમાં દેશભરના ખેડૂત સંઘના નેતાઓ સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન તેમણે ભારત-અમેરિકા વચ્ચે વચગાળાના સમજૂતી કરારનો વિરોધ કરવા માટે દેશવ્યાપી આંદોલનની તેમજ ખેડૂતો અને કૃષિ શ્રમિકોની આજીવિકાનું રક્ષણ કરવા અંગે ચર્ચા કરી છે. કોંગ્રેસે કહ્યું છે કે, બેઠકમાં ખેડૂત સંઘના નેતાઓએ વિરોધ નોંધાવ્યો છે અને મકાઈ, સોયાબીન, કપાસ, ફળો અને બદામ ઉગાડતા ખેડૂતોની આજીવિકા મામલે ઊંચી ચિંતા વ્યક્ત કરી છે.
કોંગ્રેસે કહ્યું છે કે, ખેડૂત નેતાઓ અને રાહુલ ગાંધીએ ભારત-અમેરિકા ટ્રેડ ડીલનો વિરોધ કરવા અને ખેડૂતો-કૃષિ શ્રમિકોની આજીવિકાની રક્ષા કરવા માટે મોટાપાયે રાષ્ટ્રીય આંદોલન કરવાની જરૂરીયાત પર ચર્ચા કરી છે.
બેઠકમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરનારાઓમાં અખિલ ભારતીય કિસાન કોંગ્રેસના પ્રમુખ સુખપાલ એસ ખૈરા, હરિયાણાના ભારતીય કિસાન મજદૂર યુનિયનના નેતા અશોક બલહારા, બીકેયૂ ક્રાંતિકારીના બલદેવ એસ જીરા, પ્રગતિશીલ કિસાન મોર્ચાના આર.નંદકુમાર, બીકેયૂ શહીદ ભગત સિંહના અમરજીત એસ મોહરી સહિતના ખેડૂત નેતાઓ સામેલ હતા.
બેઠક પહેલા ગઈકાલે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સરકાર તેમના વિરુદ્ધ એફઆઇઆર અથવા વિશેષાધિકાર પ્રસ્તાવ લાવી શકે છે, જાેકે તેમણે કહ્યું હતું કે, ગમે તે થાય તેઓ ખેડૂતો સાથે મજબૂતીથી ઊભા રહેશે. તેમણે વડાપ્રધાન મોદીને ખેડૂત વિરોધી હોવાના અને ભારત-અમેરિકા ડીલથી દેશને વેચવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, ‘FIR કરો, કેસ કરો કે પછી વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે લડતો રહીશ. કોઈપણ ટ્રેડ ડીલ ખેડૂતોની રોજગારી છિનવશે અથવા દેશની અન્ન સુરક્ષાને નબળી પાડશે તો તે કિસાન વિરોધી છે. ખેડૂત વિરોધી મોદી સરકારને અન્નદાતાઓના હિતો સાથે સમજૂતી નહીં કરવા દઈએ.’




