
મિડલ ઈસ્ટના યુદ્ધ પર રાજનાથ સિંહનું મોટું નિવેદન વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ કઈ દિશામાં જશે તે કહેવું મુશ્કેલ છેમિડલ ઈસ્ટનો આ તણાવ માત્ર સરહદો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે વૈશ્વિક ઊર્જા સુરક્ષા માટે જાેખમરૂપ : સંરક્ષણ મંત્રી
મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા ભીષણ તણાવ પર ભારત સરકારે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. કોલકાતામાં આયોજિત મેરિટાઈમ સમિટ “સાગર સંકલ્પ”ને સંબોધિત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અત્યંત અસામાન્ય છે અને આ સંઘર્ષના પરિણામોની આગાહી કરવી હાલ મુશ્કેલ છે. ચેતવણી આપતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, મિડલ ઈસ્ટનો આ તણાવ માત્ર સરહદો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે વૈશ્વિક ઊર્જા સુરક્ષા માટે જાેખમરૂપ છે. આ સંઘર્ષ હોર્મુઝ સ્ટ્રેટ જેવા વ્યૂહાત્મક વિસ્તારોને અસર કરી રહ્યો છે. આ ક્ષેત્રમાં જાે કોઈ પણ પ્રકારનો વિક્ષેપ પડશે, તો તેની સીધી અસર વિશ્વભરના ઓઇલ અને ગેસ પુરવઠા પર થશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બદલાતા વૈશ્વિક સમીકરણો પર ભાર મૂકતા જણાવ્યું કે, આજે જૂના વિચારો અને જૂની માન્યતાઓ ઝડપથી બદલાઈ રહી છે. એક સમયે સમુદ્રને માત્ર વેપારનું સાધન માનવામાં આવતું હતું, પરંતુ આજે તે વ્યૂહાત્મક પ્રભુત્વ મેળવવાનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. વિશ્વ અત્યારે ભારે અનિશ્ચિતતાના દોરમાંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં જમીન, આકાશ અને સમુદ્ર એમ ત્રણેય મોરચે દેશો એકબીજા પર હુમલા કરી રહ્યાં છે. “સાગર સંકલ્પ” સમિટ દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે નોંધ્યું હતું કે, દરેક ભૌગોલિક સ્થાન આજે એક અલગ પડકાર અને વાર્તા રજૂ કરી રહ્યું છે. વૈશ્વિક સ્તરે કંઈક નવું આકાર લઈ રહ્યું છે અને સ્થાપિત વ્યવસ્થાઓ તૂટી રહી છે. આપણે આ અનિશ્ચિતતાઓને ગંભીરતાથી સમજવાની જરૂર છે.
ઉલ્લેખનીય છેકે, મિડલ ઈસ્ટમાં મિસાઈલો અને ડ્રોન હુમલાઓને કારણે સર્જાયેલી આ સ્થિતિ ભારત જેવા દેશો માટે આર્થિક અને સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વની છે, કારણ કે ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો માટે મોટાભાગે આ ક્ષેત્ર પર ર્નિભર છે.




