બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ધમકી આપનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કર્ણાટક પોલીસે તેની ધરપકડ કરી અને પછી મહારાષ્ટ્ર પોલીસને હવાલે કર્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. ચાલો જાણીએ કોણ છે તે આરોપી?
કોણ છે આરોપી?
કર્ણાટકમાં હાવેરી પોલીસે બિકારમ બિશ્નોઈ નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે, જેણે સલમાન ખાનની ઓફિસમાં કથિત રીતે ધમકીભર્યો ફોન કરીને 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. તે રાજસ્થાનનો વતની છે અને એક મહિનાથી વધુ સમયથી હાવેરીમાં રહેતો હતો. હવેલી પોલીસે તેની ધરપકડ કરીને મુંબઈ પોલીસને હવાલે કર્યો હતો.
બાબા સિદ્દીકીની હત્યા બાદ મામલો ફરી ગરમાયો હતો
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ NCP નેતા અને પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. આ હત્યા બાદ પોલીસે સલમાન ખાનની સુરક્ષા વધારી દીધી છે. આ વર્ષની શરૂઆતમાં અભિનેતાના ઘરે ફાયરિંગ થયું હતું.
જાણો શું છે સમગ્ર મામલો?
કાળા હરણના શિકાર કેસ બાદ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સતત સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી રહી છે. બિશ્નોઈ ગેંગની માંગ છે કે અભિનેતાએ આ મામલે તેમના સમાજની માફી માંગવી જોઈએ, નહીં તો તેઓ તેને મારી નાખશે. જોકે, સલમાન ખાન અને તેના પરિવારનું કહેવું છે કે તેણે કોઈ હરણનો શિકાર નથી કર્યો.