કહ્યું- ભારતીય રેલવે પર ગર્વ છે લદાખ પહોંચતા જ સોનમ વાંગચુકે કર્યા સરકારના વખાણ વાંગચુકે ૨૬ દિવસના અનશન બાદ લદાખ પરત ફરતી વખતે પ્રથમવાર વંદે ભારત એક્સપ્રેસમાં દિલ્હીથી શ્રીનગર મુસાફરી કરી પર્યાવરણવિદ્ અને શિક્ષણ સુધારક સોનમ વાંગચુક દિલ્હીના જંતર-મંતર પર સતત ૨૬ દિવસના અનશન બાદ લદાખ પરત ફર્યા છે. દિલ્હીથી શ્રીનગર પાછા ફરતી વખતે તેમણે પહેલીવાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી હતી. ટ્રેન પ્રવાસના પોતાના અનુભવ અને રસ્તામાં આવતા એન્જિનિયરિંગની અજાયબી સમાન ચિનાબ બ્રિજને લઈને તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેમણે ભારતીય રેલવે અને દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મુક્ત મને પ્રશંસા કરી છે.
સોનમ વાંગચુકે વીડિયોમાં જણાવ્યું હતું કે, મને હંમેશાં રેલવે દ્વારા મુસાફરી કરવી ખૂબ ગમે છે, પરંતુ વંદે ભારત ટ્રેનમાં સફર કરવાનો અનુભવ એકદમ અલગ અને અદ્ભુત રહ્યો છે. રિયાસી જિલ્લામાં ચિનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે આર્ચ બ્રિજ (Chenab Railway Bridge) પરથી વંદે ભારત ટ્રેનમાં પસાર થવું એ અત્યંત સુંદર અનુભવ હતો. આવા વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દેશની ટેક્નોલોજી ક્ષેત્રે પ્રગતિ અને શાનદાર કનેક્ટિવિટીનું પ્રતીક છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રેલવેના વખાણ કરવાની સાથે સાથે સોનમ વાંગચુકે કેન્દ્ર સરકારને એક ખાસ અપીલ પણ કરી છે. ૨૬ દિવસના આંદોલન બાદ સરકાર સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું કે, સરકારે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ અને યુવાનો પર કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી ન કરવાના પોતાના લેખિત વચન પર કાયમ રહેવું જાેઈએ, જેથી દેશના યુવાનોમાં સરકાર અને વ્યવસ્થા પ્રત્યે વિશ્વાસનો માહોલ જળવાઈ રહે.
આ રેલવે રૂટનું સૌથી મોટું આકર્ષણ ચિનાબ નદી પર બનેલો આર્ચ બ્રિજ છે. આ પુલ નદીના સ્તરથી ૩૫૯ મીટરની ઊંચાઈ પર આવેલો છે, જે પેરિસના પ્રખ્યાત એફિલ ટાવર કરતાં પણ આશરે ૩૫ મીટર વધુ ઊંચો છે. આ પુલ કલાકના ૨૬૬ કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવન અને રિએક્ટર સ્કેલ પર ૮ની તીવ્રતાના ભૂકંપને પણ સહન કરવાની ક્ષમતા ધરાવે છે.
નવી દિલ્હી-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ભારતીય રેલવેના સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સમાંથી એક છે. સામાન્ય રીતે જમ્મુથી શ્રીનગર સડક માર્ગે જવામાં ૭થી ૧૦ કલાકનો સમય લાગતો હતો, જ્યારે હવે ટ્રેન દ્વારા જમ્મુથી શ્રીનગરનું અંતર માત્ર ૩.૫ કલાકમાં અને દિલ્હીથી શ્રીનગરની સફર ૧૩ કલાકથી પણ ઓછા સમયમાં પૂરી થઈ જાય છે.





