
મોંઘવારી ભેદભાવ કરતી નથી, પેન્શનર્સને પણ સમાન દરે મળવી જાેઇએ મોંઘવારી ભથ્થામાં કર્મચારી-પેન્શનર વચ્ચે ભેદભાવ કરી શકાય નહીં: સુપ્રીમ સકારાત્મક દૃષ્ટિકોણથી જાેવામાં આવે તો સમાનતા અને મનસ્વીતા એકબીજાના વિરોધી છે : સુપ્રીમ નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે સમાનતાના અધિકારને સમર્થન આપતા એક મહત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે મોંઘવારી સામે રાહત આપવા માટે આપવામાં આવતા ભથ્થાઓમાં સરકાર કાર્યરત કર્મચારીઓ અને પેન્શનરો વચ્ચે ભેદભાવ કરી શકે નહીં. કેરળ રાજ્ય સરકાર અને કેરળ રાજ્ય પરિવહન નિગમની અપીલને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ફુગાવો કાર્યરત અને નિવૃત્ત કર્મચારીઓ બંનેને સમાન રીતે અસર કરે છે. સમાનતા એક ગતિશીલ સિદ્ધાંત છે, જેને પરંપરાગત મર્યાદાઓમાં બાંધી શકાય નહીં. સકારાત્મક દૃષ્ટિકોણથી જાેવામાં આવે તો સમાનતા અને મનસ્વીતા એકબીજાના વિરોધી છે. સમાનતા કાયદાના શાસનનો આધાર છે, જ્યારે મનસ્વીતા એક સત્તાવાળાની મનમાની દર્શાવે છે.
બંધારણની કલમ ૧૪ (સમાનતાનો અધિકાર)નો ઉલ્લેખ કરી સર્વાેચ્ચ અદાલતે જણાવ્યું હતું કે સમાનતાનો હક વર્ગ આધારિત ભેદભાવની મનાઈ કરે છે, પરંતુ યોગ્ય વર્ગીકરણને મંજૂરી આપે છે, જે માટે બે શરતો જરૂરી છે. પ્રથમ શરત એ છે કે વર્ગીકરણ સ્પષ્ટ તફાવત પર આધારિત હોવું જાેઇએ. બીજી એ છે કે આ તફાવત કાયદાના હેતુ સાથે તર્કસંગત રીતે જાેડાયેલો હોવો જાેઈએ.ખંઠપીઠે જણાવ્યું હતું કે KSRTC એ ઉલ્લેખિત ચુકાદાઓ આ મામલામાં લાગુ પડતા નથી, કારણ કે અહીં લાભ મેળવવાનો અધિકાર વિવાદિત નથી. અહીં નિવૃત્ત કર્મચારીઓને માત્ર પેન્શન જ નહીં, પરંતુ મોંઘવારી રાહત પણ મળે છે, જેમાં સમયાંતરે સુધારો થતો હોય છે. અહીં સવાલ કાર્યરત અને નિવૃત્ત કર્મચારીઓ વચ્ચે અલગ-અલગ દરે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો છે. મોંઘવારી સેવા બજાવતા કર્મચારી અને પેન્શનર વચ્ચે કોઇ ભેદભાવ કરતી નથી.





