(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
માનવી દવા સાજો થવા માટે લેતો હોય છે. અર્થાત્ દવા માણસને સાજો કરવા માટે હોય છે. પરંતુ જ્યારે દવાની કિંમત જ દર્દી અને એના પરિવાર માટે અસહ્ય પીડાનું કારણ બની જાય ત્યારે આરોગ્ય વ્યવસ્થાની પ્રાથમિકતાઓ સામે ગંભીર સવાલો ઊભા થાય છે. બીમારી માણસની આર્થિક સ્થિતિ જોઈને નથી આવતી. ગરીબ હોય કે મધ્યમ વર્ગનો પરિવાર ને કેન્સર, હૃદયરોગ કે અન્ય ગંભીર બીમારીનો સામનો કરવો પડે ત્યારે સૌથી પહેલાં એક જ ચિંતા સતાવે છે કે સારવારનો ખર્ચ કેવી રીતે પૂરો કરવો?
દર્દીનું જીવન બચાવવા માટે દવા ખરીદવી અનિવાર્ય હોય છે. પરંતુ એ જ મજબૂરીનો લાભ લઈને દવાઓના ભાવમાં અસાધારણ તફાવત ઊભો થતો હોય તો તેને માત્ર બજારની સ્વતંત્રતા કહીને નજરઅંદાજ કરી શકાય નહીં. જ્યારે દવાઓની કિંમત અને દર્દીઓ પાસેથી વસૂલવામાં આવતા ભાવ વચ્ચેના મોટા અંતર અંગે સુપ્રીમ કોર્ટે ઉઠાવેલા સવાલો આ જ ગંભીર સમસ્યા તરફ ધ્યાન દોરે છે. કેટલીક દવાઓની મહત્તમ છૂટક કિંમત અને વાસ્તવિક વેચાણ મૂલ્ય વચ્ચે ૪૦૦ (ચારસો) ટકા કે તેથી વધુનો તફાવત કેવી રીતે ઊભો થાય છે? અને આ વધારાની રકમ આખરે કોના ખિસ્સામાં જાય છે, એ સવાલનો સંતોષકારક જવાબ મળવો જરૂરી છે.
ખાસ કરીને કેન્સર જેવી જીવલેણ બીમારીઓની દવાઓના કિસ્સામાં આ મુદ્દો માત્ર આર્થિક વ્યવહારનો નથી. તે દર્દીના જીવન, માનવીય ગૌરવ અને આરોગ્યના અધિકાર સાથે જોડાયેલો છે. ભારતમાં દવાઓના ભાવ પર નિયંત્રણ માટે ડ્રગ્સ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર ૨૦૧૩ હેઠળ વ્યવસ્થા છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી એટલે કે (NPPA) આવશ્યક દવાઓની નિર્ધારિત શ્રેણી માટે મહત્તમ ભાવ નક્કી કરે છે. કારણ કે દવા કોઈ વૈભવી ચીજ નથી, જીવન બચાવવાનું સાધન છે અને જીવન બચાવવાના સાધનને સામાન્ય માણસની પહોંચની બહાર જવા દેતી વ્યવસ્થા સામે સવાલ ઉઠાવવો એ માત્ર નાગરિકનો અધિકાર જ નહીં, પરંતુ રાજ્યની પણ ફરજ છે.




