‘નકામા બહાના નહીં ચાલે’ વીડિયો ફૂટેજ ન મળતા ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટનું અલ્ટીમેટમ રાજેગૌડાની દલીલ છે કે હાઈકોર્ટે માત્ર ૨૭૯ રદ થયેલા ટપાલ મતપત્રોની જ ફરી તપાસનો આદેશ આપ્યો હતો કર્ણાટકની શૃંગેરી વિધાનસભા બેઠકની ૨૦૨૩ની ચૂંટણીની મતગણતરી સાથે જાેડાયેલી વીડિયો રેકોર્ડિંગ ગાયબ થઈ જવાના મામલે સુપ્રીમ કોર્ટે ભારતીય ચૂંટણી પંચની આકરી ઝાટકણી કાઢી છે. જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ સંજીવ સચદેવાની પીઠે ચૂંટણી કરાવતી દેશની સર્વાેચ્ચ સંસ્થા પાસેથી જ મહત્ત્વપૂર્ણ રેકોર્ડ ખોવાઈ જવા સામે ભારે આશ્ચર્ય અને નારાજગી વ્યક્ત કરી હતી. અદાલતે ચૂંટણી પંચને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જાે આગામી સુનાવણી સુધી ઉપલબ્ધ રેકોર્ડ રજૂ કરવામાં નહીં આવે, તો પંચ સામે કડક પ્રતિકૂળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.સુનાવણી દરમિયાન જ્યારે ચૂંટણી પંચ તરફથી રજૂ થયેલા વરિષ્ઠ તજજ્ઞે કોર્ટને જણાવ્યું કે ૨૦૨૩ની મૂળ મતગણતરીનો વીડિયો મળી રહ્યો નથી અને તેને શોધવાના પ્રયાસો ચાલુ છે, ત્યારે સુપ્રીમ કોર્ટે આ દલીલને તાત્કાલિક ફગાવી દીધી હતી. પીઠે સખત શબ્દોમાં કહ્યું હતું કે, ‘તમારું મુખ્ય કામ જ નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે, તો પછી તમારી પાસે તેનાથી જાેડાયેલા દસ્તાવેજાે અને વીડિયો રેકોર્ડ કેમ નથી? અમે આવા નબળા અને નકામા બહાના સાંખી નહીં લઈએ.’ કોર્ટે ર્નિદેશ આપ્યો છે કે હવે પછીની સુનાવણીમાં પંચ પાસે જે પણ વિગતો ઉપલબ્ધ હોય તે રજૂ કરવામાં આવે. આ મામલાની આગામી સુનાવણી ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૭ના રોજ નક્કી કરવામાં આવી છે.આ વિવાદ ૨૦૨૩ની કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન શૃંગેરી બેઠક પરથી શરૂ થયો હતો, જ્યાં કોંગ્રેસના નેતા ટી.ડી. રાજેગૌડા માત્ર ૨૦૧ વોટની નજીવી સરસાઈથી વિજેતા જાહેર થયા હતા. આ પરિણામ સામે ભાજપના ઉમેદવાર ડી.એન. જીવરાજે કર્ણાટક હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હાઈકોર્ટે એપ્રિલ ૨૦૨૬માં ટપાલ મતપત્રો (પોસ્ટલ બેલેટ)ની પુન:ગણતરી કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ ૩ મે ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલા સુધારેલા પરિણામમાં રાજેગૌડાના વોટ ઘટી ગયા હતા અને જીવરાજને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.હાઈકોર્ટના આ ર્નિણય સામે રાજેગૌડા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા, જ્યાંથી તેમને વચગાળાની રાહત મળતા તેઓ હાલ ધારાસભ્ય પદે યથાવત રહ્યા છે. રાજેગૌડાની દલીલ છે કે હાઈકોર્ટે માત્ર ૨૭૯ રદ થયેલા ટપાલ મતપત્રોની જ ફરી તપાસનો આદેશ આપ્યો હતો, પરંતુ ચૂંટણી અધિકારીએ પોતાના અધિકારક્ષેત્રની બહાર જઈને ૫૬૨ માન્ય મતપત્રોનું પણ મૂલ્યાંકન કરી નાખ્યું હતું. આ સમગ્ર પ્રક્રિયાની નિષ્પક્ષતા સાબિત કરવા માટે રાજેગૌડાએ ચૂંટણી ઓબ્ઝર્વરનો રિપોર્ટ તેમજ ૨૦૨૩ની મૂળ ગણતરી અને પુન:ગણતરી બંનેની વીડિયો રેકોર્ડિંગ રજૂ કરવાની માંગ કરી હતી, જેને રજૂ કરવામાં ચૂંટણી પંચ નિષ્ફળ રહ્યું છે.




