કોર્ટનો સંતુલિત આદેશનો સંકેત દિલ્હી-NCR માં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં: સુપ્રીમ પ્રદૂષણ સામે લોકોમાં જાગૃતિ લાવવા માટે ક્રિકેટર વિરાટ કોહલી જેવી જાણીતી હસ્તીઓની મદદ લેવાનું સૂચન પણ કોર્ટે કર્યું
દિલ્હી-NCR માં ફટાકડાના ઉપયોગ અને તેનાથી થતા પ્રદૂષણના મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ વલણ રજૂ કર્યું છે. અદાલતે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરતાં સ્પષ્ટ કર્યું કે આ મામલે સંતુલિત આદેશ આપવામાં આવશે. સાથે જ નિયમોનો ભંગ કરીને ગેરકાયદે ફટાકડા વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રદૂષણ સામે લોકોમાં જાગૃતિ લાવવા માટે ક્રિકેટર વિરાટ કોહલી જેવી જાણીતી હસ્તીઓની મદદ લેવાનું સૂચન પણ કોર્ટે કર્યું હતું.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન લોકોની ખુશીઓ અને ઉત્સાહને અસર પહોંચાડવાનો તેનો હેતુ નથી. જાેકે, વધતા પ્રદૂષણને અવગણી શકાય નહીં. અદાલતે નોંધ્યું હતું કે દર વર્ષે ફટાકડાના ઉપયોગ અંગે આદેશો આપવા પડે છે, પરંતુ તેનું યોગ્ય રીતે પાલન થતું નથી. માત્ર પ્રતિબંધ લાદવાથી સમસ્યાનો કાયમી ઉકેલ મળતો નથી. તેથી નિયમોના અસરકારક અમલ અને જનજાગૃતિ પર વધુ ધ્યાન આપવું જરૂરી છે.
કોર્ટે એમ પણ સૂચવ્યું હતું કે જાણીતી હસ્તીઓ દ્વારા લોકોને પ્રદૂષણના નુકસાન અંગે સમજાવવામાં આવે તો જાગૃતિ વધારવામાં મદદ મળી શકે છે.
સુનાવણીમાં અદાલતની મદદ કરી રહેલા અમાઇકસ ક્યુરીએ ફટાકડાથી હવામાં ફેલાતા અતિસૂક્ષ્મ કણો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ઁસ્૨.૫ જેવા કણો ફેફસાંમાં ઊંડે સુધી પ્રવેશી શકે છે અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. ગ્રીન ફટાકડામાં સામાન્ય ફટાકડાની સરખામણીએ ઉત્સર્જન ઓછું હોઈ શકે છે, પરંતુ તે સંપૂર્ણપણે પ્રદૂષણમુક્ત નથી. બીજી તરફ, દિલ્હી સરકારે પ્રદૂષણ નિયંત્રણ માટે વિવિધ પગલાં લેવાની રજૂઆત કરી હતી. તેમાં વાહનોના ઉત્સર્જન પર નિયંત્રણ, સરકારી કચેરીઓના કામકાજના સમયમાં ફેરફાર અને સ્મોગ ગનનો ઉપયોગ જેવા ઉપાયોનો સમાવેશ થાય છે. હવે સુપ્રીમ કોર્ટના અંતિમ આદેશ અને તેના અમલ પર સૌની નજર રહેશે. ફટાકડાના ઉપયોગ, જાહેર આરોગ્ય અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવા માટે નિયમોનું પાલન તથા લોકોની ભાગીદારી મહત્ત્વપૂર્ણ બની રહેશે.




