
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો પલટ્યો પત્નીનું અફેર હોવાથી પતિ આત્મહત્યા કરે એ ઉશ્કેરણી ન માની શકાય છત્તીસગઢ હાઈકોર્ટના જૂના આદેશને રદબાતલ ઠેરવ્યો સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, જાે કોઈ વ્યક્તિ પોતાના જીવનસાથીના ગેરકાયદે સંબંધો (એક્સ્ટ્રા મેરિટલ અફેર)થી પરેશાન થઈને આત્મહત્યા કરે છે, તો માત્ર આ સંબંધોના આધારે પાર્ટનર પર આત્મહત્યા માટે ઉકસાવવાનો(દુષ્પ્રેરણ) કેસ ચલાવી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કે.વી. વિશ્વનાથન અને જસ્ટિસ અતુલ ચંદુરકરની બેન્ચે આ મામલે મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, આત્મહત્યા માટે ઉકસાવવાનો ગુનો(કલમ ૩૦૬) ત્યારે જ ગણાય જ્યારે આરોપીએ કોઈ એવું સક્રિય કામ કર્યું હોય જેનાથી વ્યક્તિ મરવા માટે મજબૂર થઈ જાય. કોર્ટે ભારપૂર્વક કહ્યું કે, સામેવાળી વ્યક્તિનો ઈરાદો સ્પષ્ટપણે મૃતકને આત્મહત્યા તરફ ધકેલવાનો હોવો જાેઈએ. કાયદાની નજરમાં ઉકસાવવું એટલે એવું કોઈ પગલું, જેના કારણે પીડિત વ્યક્તિ પાસે જીવ ટૂંકાવવા સિવાય અન્ય કોઈ રસ્તો જ ન બચ્યો હોય. માત્ર માનસિક દબાણ કે તણાવને ઉકસાવવા સમાન ગણી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે આ મામલે છત્તીસગઢ હાઈકોર્ટના જૂના આદેશને રદબાતલ ઠેરવ્યો છે. હાઈકોર્ટે અગાઉ એવી દલીલ સાથે કેસ ચલાવવાની મંજૂરી આપી હતી કે, પત્નીના અન્ય પુરુષ સાથેના સંબંધોથી થતા માનસિક તણાવને કારણે પતિએ આત્મહત્યા કરી હતી. જાેકે, સુપ્રીમ કોર્ટે પત્નીના પ્રેમી વિરુદ્ધનો કેસ ખારીજ કરતા સ્પષ્ટ કર્યું કે, માત્ર અનૈતિક સંબંધો હોવા એ આત્મહત્યા માટે ઉકસાવવાનો ગુનો સાબિત કરવા માટે પૂરતું નથી. કોર્ટે અવલોકન કર્યું કે આરોપીએ કોઈ એવું ગુનાહિત કાર્ય કર્યું હોય કે જેનાથી મૃતકને મરવા માટે સીધી કે આડકતરી મદદ મળી હોય, તેવા કોઈ નક્કર પુરાવા રેકોર્ડ પર જાેવા મળ્યા નથી.
ચુકાદામાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, આત્મહત્યા અને ઉકસાવવાની ઘટના વચ્ચે સીધો અને તાત્કાલિક સંબંધ હોવો જાેઈએ. માત્ર માનસિક તણાવ કે સંબંધોની જાણ થવી એ કાયદાની નજરમાં ગુનો ઠેરવવા માટે પૂરતું નથી. ઉલ્લેખનીય છે કે, આ રાહત માત્ર અપીલ કરનાર પત્નીના પ્રેમીને જ મળી છે. મૃતકની પત્ની આ કેસમાં સહ-આરોપી છે, પરંતુ તેણે ટ્રાયલને પડકાર્યો ન હોવાથી તેની સામેનો કેસ યથાવત રહેશે. અદાલતે અંતમાં સારાંશ આપ્યો કે ઉકસાવવાના કૃત્યને સાબિત કરવા માટે નક્કર પુરાવા હોવા અનિવાર્ય છે.





