
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આજે આપણને એવા સ્વરૂપની લોકશાહી જોઈએ છે જે આપણી ગ્રામીણ અર્થવ્યવસ્થાનું શાંતિમય પરીવર્તન લાવવામાં આપણને મદદરૂપ થાય. ગામડાના સ્તરે આપણને એવું કાંઈક લોકશાહી તંત્ર જોઈએ. જેમાં લોકો સીધા વહીવટમાં ભાગ લેતા હોય. પરંતુ આજના લોકશાહી માળખામાં આવું નથી. આજે તો લોકોની નહીં લોકોના પ્રતિનિધિઓની લોકશાહી ચાલે છે. તે પ્રતિનિધિઓએ લોકોના વતી કામ કરવાનું છે એમ મનાય છે ખરું.પણ વાસ્તવમાં વખત જતાં રાજકીય સત્તાનું કેન્દ્રીકરણ અનિવાર્યપણે રાજધાનીમાં થઈ જાય છે. આજ ની “રાજનીતિ” એ “રાજધાની ની રાજનીતિ” છે. આપણને અત્યારે જોઈએ છે એવી લોકશાહી જે લોકો ધ્વારા ચાલતી હોય અને લોકોના જીવાનનું પુનનિર્માણ કરવા માટે ચાલતી હોય.
ગ્રામસ્તરે આવું નવું લોકશાહી માળખું ઊભું કરવા માટે ધરમૂળથી નવા પુનચિંતનની તેમજ સમૂળા જુદા સ્વરૂપની લોકશાહી વ્યવસ્થાની જરૂર છે. આપણે એક એવી લોકશાહી વ્યવસ્થાની કલ્પના કરી શકીએ કે જેમાં લોકો સાથે બેસી શકે, અંદરોઅંદર મુકતપણે વાતચીત કરી શકે, પોતાની વચ્ચેના મતભેદોનો ખુલ્લી ચર્ચા-વિચારણા કરીને નિકાલ લાવી શકે અને સહુએ નક્કી કરેલી અમુક પધ્ધતિથી નિર્ણયો લઈ શકે. લોકશાહી અને એકહથ્થું સરમુખત્યારશાહી વચ્ચે વિરોધ જરૂર છે. પરંતુ એવો કોઈ વિરોધ લોકશાહી અને આ બિનપક્ષીયતાની વાત વચ્ચે હરગિજ નથી. ખરું જોવા જઈએ તો,દરેક સારું ને નરવું કુટુંબ એ બિનપક્ષીય લોકશાહીનો જ એક દાખલો છે. તેમાં સભ્યો પોતાના વિચારો મુકતપણે વ્યકત કરી શકે અને સાથે મળીને નિર્ણય લઈ શકે. માત્ર કુટુંબ માટે જ નહીં, સમાજની અન્ય ઘણી સંસ્થાઓ માટે પણ આ મોડેલ નમૂનારૂપ બની શકે.
લોકશાહીનું પણ આજ હાર્દ છે. વિવિધતાને ભૂંસી નથી નાંખવી પણ વિવિધતામાંયે એકતા સાધવાની છે. લોકશાહી બળજબરીથી કે જબરદસ્તીથી બધાને એક નથી કરતી પણ સુમેળ, સંપ ને સહયોગથી એક કરે છે. સમાજમાં આ પ્રક્રિયા ઉચ્ચ સાંસ્કૃતિક ને આધ્યાત્મિક મૂલ્યો વિના સફળ નથી બનતી.
અહીં આતંકવાદનોયે ઉલ્લેખ થયો. આતંકવાદનું સૌથી મુખ્ય કારણ છે પરસ્પર વિશ્વાસનો અભાવ. પરસ્પર વિશ્વાસ વિના આ જાતના આઘાત-પ્રત્યાઘાત પેદા થયા જ કરવાના. તેનાથી સમાજની શક્તિનો ક્ષય થતો રહેવાનો. પરસ્પર સુમેળ ને વિશ્વાસ જન્માવ્યા વિના આતંકવાદને કદાપિ નેસ્તનાબૂદ કરી શકવાનો નથી. અને એ વિશ્વાસ જન્માવ્યો હશે તો સાંસ્કૃતિક ને આધ્યાત્મિક અને માનવીય મૂલ્યોને આધારે જ જન્માવી શકશે. પરસ્પર પ્રેમ પાંગરવો જોઈએ તેમાં ખતરો હશે, જોખમ હશે,પણ તે ખતરો ઉઠાવવા જેવો છે. આખરે તો પ્રેમ અને વિશ્વાસ જ આપણને આમાંથી ઉગારી શકશે. સાંસ્કૃતિક ને અને આધ્યાત્મિક મૂલ્યો તો માનવજીવનનું એક અભિન્ન અંગ છે. ઉદ્યોગીકરણ હોય કે લોકશાહી હોય કે આતંકવાદ ને ડામવાનો હોય,આધ્યાત્મિક મૂલ્યોમાં શ્રધ્ધા રાખ્યા વિના આપણે માનવીય સમાજ રચનાનું નવનિર્માણ કરી શકવાના નથી.




