
ટ્રોમા કેરના અધિકારને જીવનના અધિકારનો અભિન્ન હિસ્સો ગણાવ્યો.દેશભરમાં એકસમાન ‘૧૧૨’ ઇમર્જન્સી હેલ્પલાઇન કાર્યરત કરવા જીઝ્રનો આદેશ.અરજીમાં ટ્રોમા કેરને ભારતીય જાહેર કાયદા પ્રણાલીમાં અધિકાર તરીકે માન્યતા આપવાની માગણી કરાઈ હતી.ઇમર્જન્સી મેડિકલ ટ્રીટમેન્ટ (ટ્રોમા કેર)ના અધિકારને જીવનના અધિકારનો અભિન્ન હિસ્સો ગણાવી સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ત્રણ મહિનામાં ઇમર્જન્સી રિસ્પોન્સ માટે એકમાત્ર હેલ્પલાઇન નંબર ‘૧૧૨’ કાર્યરત કરવા અને અકસ્માતના સમયે પીડિત વ્યક્તને મદદ કરનારા લોકોની ફરિયાદ નિવારણ વ્યવસ્થા સ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ ઉપરાંત બીજા અનેક દિર્શાનિદેશો પણ જારી કર્યાં હતાં. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ત્રણ મહિનામાં અલગ ઇમર્સન્સી હેલ્પલાઇન્સની જગ્યાએ સિંગલ ઇમર્જન્સી નંબર ૧૧૨માં સંકલિત કરવી પડશે તથા પીએમ રાહત (રોડ અકસ્માતનો ભોગ બનેલા લોકોને કેશલેસ સારવારની યોજના) સંપૂર્ણપણે અમલી બનાવવી પડશે. સેવલાઈફ ફાઉન્ડેશને દાખલ કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટે મંગળવારે આ આદેશ જારી કર્યાે હતો. આ અરજીમાં ટ્રોમા કેરને ભારતીય જાહેર કાયદા પ્રણાલીમાં અધિકાર તરીકે માન્યતા આપવાની માગણી કરાઈ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોઈ વ્યક્તિ અકસ્માત કે એવી જ કોઈ ઘટના ભોગ બને છે ત્યારે તેને સામાન્ય રીતે આઘાત લાગે છે અને ગભરાટ અનુભવે છે અને આસપાસના લોકો મદદ કરે તેવી આશા રાખે છે. આવી સ્થિતિમાં તબીબી સારવાર કે તાત્કાલિક સારવાર વગર પસાર થતી દરેક મિનિટ જીવિત રહેવાની શક્યતાઓ ઘટાડે છે.કોર્ટે જણાવ્યું હતું કે ઘણીવાર લોકો અકસ્માત પીડિતોને મદદ કરવા માગતા હોય છે, પરંતુ કાયદાકીય કાર્યવાહી, પોલીસ સ્ટેશનમાં સાક્ષી તરીકે ધક્કાની ભીતિને કારણે મદદ કરતાં અચકાય છે. આ અવરોધોને દૂર કરવા માટે વ્યવસ્થિત પ્રતિસાદ, ટ્રોમા કાળજી માટે એકસરખું માળખું, જનજાગૃતિ અને યોગ્ય ગુડ સમેરિટન કાયદાઓ જરૂરી છે, કારણ કે ટ્રોમા કેરનો અધિકાર ભારતના બંધારણની કલમ ૨૧ હેઠળ જીવનના અધિકારનો અભિન્ન ભાગ છે.





