
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
અખબાર જેને સામાજિક અરીસો કહેવાય છે એવા અખબાર માટે એક લેખકે લખ્યું હતું કે “સરકાર વગરનું અખબાર હોઈ શકે પણ અખબાર વગરની સરકાર ક્યારેય નહીં”. કારણ કે સરકાર ગમે તે પક્ષની હોય એની સાથે અખબાર ને કોઈ નિસ્બત હોતી નથી. પરંતુ જો અખબાર જ ના હોય તો સરકારની સારા-નરસા કામોની પ્રજાને ખબર જ કેવી રીતે પડે? એટલે અખબારને વિશ્વની ચોથી જાગીર કહેવાય છે. અખબારી જગત એટલે પત્રકારત્વજગત જેમાં પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રો નિક મીડિયા કેમ ના હોય? એવા પત્રકારત્વ જગત ઉપર હમણાં હમણાં ગંભીર હુમલાઓથી લઈ જાન લેવા સુધીના બનાવો બની રહ્યા છે અને એનું કારણ છે અખબારોમાં લખાતી સચ્ચાઈ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પુરાવા સાથે સમાજને બતાવાતી હકીકત.
અહીં કોઈ એક અખબારની વાત નથી. પછી એ દૈનિક હોય, અર્ધસાપ્તાહિક હોય,સાપ્તાહિક હોય, પાક્ષિક હોય કે માસિક મેગેઝીન કેમ ના હોય? એના તમામ કર્મચારી પત્રકારોની વ્યાખ્યામાં આવતા હોય છે. જેમાં ઇલેક્ટ્રોનિક્સ મીડિયા પણ સામેલ છે. સાચા પત્રકારો આંખમાં કણાની માફક એમને જ ખૂંચે છે કે જેઓના કાળા કામોને સમાજમાં અખબારના માધ્યમથી ખુલ્લા કરાય છે અને એવા કાળા કામો કરનારાઓ પોતાના મળતિયા રાજકારણીઓના સહારો લઈ માથા ભારે તત્વોની સાથે આડકતરી રીતે પોલીસના સહકારથી સાચા પત્રકારોને મોતને ઘાટ ઉતારાવતા હોય છે.
જે પત્રકારો હુમલાનો ભોગ બનીને જાન ગુમાવતા હોય છે એવા પત્રકારો પોતાના જાનના જોખમે પરિવારથી દૂર રહી આજે પણ ખાડી દેશોમાં ચાલતા યુદ્ધના મિસાઈલો, બોમ્બ ધડાકા અને બંદુક, સ્ટેશનગન, મશીનગન ની ગોળીઓના ધાણીફૂટ અવાજો વચ્ચે જઈને પણ યુધ્ધની નાનામાં નાની બાબતથી લઈ થતા મોટા હુમલાઓના સમાચારો અને ફોટોગ્રાફો પ્રજા વચ્ચે પહોંચાડવાનું કામ કરી રહ્યા છે.
ત્યારે એવા પત્રકારો અન્ય ધંધો ના કરી શકે એવા બંધનમાં લેવાનો ફતવો રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પડાય એ કેટલો વ્યાજબી છે? અહીં સો મણ નો સવાલ એ છે કે રાજાનો છોકરો રાજા બનતો હોય, નેતાનો છોકરો જો ભલે ગાંડા-ગગા જેવો કે લાંબી ગતાગમ કે ટેલેન્ટ ના હોય છતાં એ ઊંચા હોદ્દા પર લાયકાત ના હોવા છતાં એને ઠોકી બેસાડાતો હોય ત્યારે પત્રકારો ને માટે ફતવો કાઢી એમને બંધન માં લેવા પાછળનું કારણ શું? એક બાજુ વિરોધીઓની પરિવારવાદથી વારંવાર એમની મજાક ઉડાડવી અને બીજી બાજુ આજ નેતાઓના દીકરા-દીકરીઓ જાણે કે વારસદાર હોય એમ એમને ઊંચા હોદ્દા પર ગોઠવી પ્રજાની આંખોમાં ધૂળ નંખાતી હોય એવા નેતાઓ સત્તા લાલચુઓથી વધુ કશું જ નથી. જ્યાં સાચા અને પુરાવા રૂપ સમાચારો જાનના જોખમે પ્રસિધ્ધ કરતા પત્રકારો હોય એવા પત્રકારો મોટા માથાઓની જ્યારે પોલ ખોલતા સમાચારો પ્રસિધ્ધ કરતાં હોય છે ત્યારે એવા પત્રકારોને મોટા માથાઓ એમના મળતિયાઓ ધ્વારા ખંડણી વસૂલી, તોડબાજ તેમજ દેશદ્રોહ જેવા ગુન્હાઓ લગાડવાઇ પોલીસની મીલી ભગત માં જેલમાં મોકલાવતા પણ પાછી પાની નથી કરતા હોતા. પત્રકારોનું કામ ત્રાજવા ના બે પલ્લા જેવું છે જેમાં નેગેટિવ અને પોઝિટિવ સમાચારો પણ પ્રસિદ્ધ કરતા હોય છે.
હવે વાત છે પત્રકારોની આવકની
હાલની આ ગૃહિણીઓ ને દઝાડતી અને આકાશને આંબતી મોંઘવારીમાં દરેક વ્યક્તિને બે છેડા ભેગા કરવા માટે પોતાના વ્યવસાયની સાથે અન્ય વ્યવસાય પણ કરવો પડે એવી પરિસ્થતિનું નિર્માણ થયું હોય ત્યારે પત્રકાર પણ પત્રકારત્વની સાથે અન્ય કોઈ વ્યવસાય કરે કે એના સંતાનના વ્યવસાયમાં સાથ-સહકાર આપે એમાં ખોટું શું છે? જ્યારે પત્રકારને પોતાના પરિવારનો ખર્ચ કાઢવાનો હોય, એના બાળકોના શિક્ષણનો ખર્ચ હોય, ભાડાનું ઘર હોય, લાઈટ બિલ, ગેસબિલ,મેન્ટેનન્સ તેમજ પેટ્રોલથી લઈ ઘરની તમામ જવાબદારી નિભાવવાની હોય ત્યારે એના ટૂંકા પગારથી એનો ખર્ચ પરવડે નહીં આથી અન્ય વ્યવસાય કરે તો એમાં ખોટું શું છે?
જ્યારે મોટા કેબિનેટ મંત્રીઓ, આઈ.પી.એસ, આઈ.એસ અધિકારીઓ, રિટાયર્ડ અધિકારીઓ સહિત સત્તાધારીઓ અને ભૂતપૂર્વ મંત્રીઓ એ પણ પોતાના સગા સંબંધીઓ, વિશ્વાસુ મિત્રો પરિવારના સંતાનોના નામે જાણીતા બિલ્ડરો સાથે ભાગીદારી કરી શકતા હોય ઉપરાંત એમને સરકારી પગાર ભથ્થાની સાથે સાથે અઢળક આવક પણ થતી હોય એ સાથે મોટા મોટા પ્રોજેક્ટ માં રોકાણ, શો રૂમોમાં રોકાણ, જમીનોમાં રોકાણ, બાંધકામોમાં રોકાણ, એમના રાઈઝીંગ કરનારાઓ ના માધ્યમથી થતા હોય ત્યારે પત્રકારો સાઈડ ઇન્કમ કરે કે કોઈ નાનો- મોટો વ્યવસાય કરી પરિવારનું ભરણ પોષણ કરવા સાથે સમાજના અરીસા રૂપ અખબારી જગત ને ધબકતું રાખવાનું ભગીરથ કાર્ય કરતો હોય તો એમાં કયો મોટો ગુન્હો બને છે? એ સત્તાધારી શાસકોને કોણ સમજાવશે?




