
અન્ય કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના સભ્યો દ્વારા તોડફોડ ‘ખાન સર’ ના કોચિંગ સેન્ટર પર હુમલો, ગાર્ડને ગંભીર ઈજાઓ પહોંચી સીસીટીવી ફૂટેજમાં ખાન સરના કોચિંગ સેન્ટરમાં કોઈ ફાયરિંગ થયાની પુષ્ટિ થઈ નથી બિહારની રાજધાની પટનામાં ખાન સરના કોચિંગ સેન્ટરની બહાર મંગળવારે(૨ જૂન) રાત્રે ગોળીબારના સમાચાર સામે આવ્યા હતા. કોચિંગ સેન્ટર પર થયેલા હુમલો મામલે જાણીતા શિક્ષક ખાન સરે પોતે આ માહિતી આપી હતી. સમગ્ર મામલે પટના પોલીસનું નિવેદન આવ્યું છે. જેમાં પટના પોલીસે જણાવ્યું છે કે, ખાન સરના કોચિંગ સેન્ટરની બહાર કોઈ ફાયરિંગ થયું નથી.પટણા પોલીસે એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, મંગળવારે રાત્રે લગભગ ૧૦ વાગ્યે કદમકુઆં પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા ખાન ગ્લોબલ સ્ટડીઝ કોચિંગ સેન્ટરમાં કેટલાક લોકો દ્વારા પથ્થરમારો અને તોડફોડ કરી હોવા અંગે માહિતી મળી હતી.રાત્રે મળેલી માહિતી મુજબ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક રહેવાસીઓની પૂછપરછ અને સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ જાણવા મળ્યું હતું કે, પટનાની જ્ઞાન બિંદુ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલા ૧૫ થી ૨૦ વ્યક્તિઓએ પથ્થરમારો અને તોડફોડ કરી હોવાનો આરોપ છે.કોચિંગ સેન્ટર પર ફાયરિંગ થયાના દાવા સામે પોલીસે જણાવ્યું હતું કે, સીસીટીવી ફૂટેજમાં ખાન સરના કોચિંગ સેન્ટરમાં કોઈ ફાયરિંગ થયાની પુષ્ટિ થઈ નથી. અગાઉ પણ કોચિંગ સેન્ટરની બહાર ૧૦ થી ૧૨ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે પોલીસ ટીમો દરોડા પાડી રહી છે. સ્થાનિક રહેવાસીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપીઓ સામે ટૂંક સમયમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.મોડી રાત્રે ખાન સરના કોચિંગ સેન્ટરની બહાર અંદાજે ૮ થી ૧૦ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનો દાવો છે. તેમજ સેન્ટર પર પથ્થરમારો અને તોડફોડ કરી હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે, ત્યારે આ ઘટનામાં એક ગાર્ડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મામલાની તપાસ શરૂ કરી છે.





