
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે, જનતાનો આદેશ સીધો ડીએમકે (DMK) સરકારની વિરુદ્ધમાં છે અને તેમાં કોંગ્રેસનો.કોઈ વાંક ન હોવા છતાં તેને નુકસાન વેઠવું પડ્યું છે. કોંગ્રેસના સાંસદ મણિકમ્મ ટાગોરે X પર પોસ્ટ કરીને ધ્યાન દોર્યું હતું કે કેબિનેટના અડધાથી વધુ મંત્રીઓ પોતાની બેઠકો હારી ગયા છે, જે સ્પષ્ટ કરે છે કે જનતાએ વર્તમાન સરકારને નકારી દીધી છે. હવે જ્યારે ભાજપ તમિલનાડુમાં પોતાની પકડ મજબૂત કરવા પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસે સંકેત આપ્યો છે કે તેઓ ભાજપને સત્તાથી દૂર રાખવા માટે વિજયની પાર્ટી ટીવીકે (TVK) સાથે હાથ મિલાવવાની વ્યૂહરચના પર વિચાર કરી શકે છે. કોંગ્રેસનું માનવું છે કે ડીએમકેની હારના કારણે તેમને બિનજરૂરી નુકસાન થયું છે, તેથી હવે તેઓ ભાજપ વિરુદ્ધ લડતી શક્તિઓ સાથે ઊભા રહેવાના વિકલ્પો ચકાસી રહ્યા છે.
તમિલનાડુમાં થલપતિ વિજયની પાર્ટી ટીવીકે (TVK) એ ૧૦૮ બેઠકો સાથે મેળવેલી ભવ્ય જીત બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે અને વર્ષો જૂનું ડીએમકે-કોંગ્રેસ ગઠબંધન તૂટી ગયું છે. કોંગ્રેસે વિજયને શરતી ટેકો જાહેર કરતાં ડીએમકે (DMK) એ કોંગ્રેસને દગાબાજ અને પીઠમાં છરો ભોંકનાર ગણાવી તીખી પ્રતિક્રિયા આપી છે. ડીએમકેના પ્રવક્તાએ આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, કોંગ્રેસની બેઠકો મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનને કારણે આવી હતી અને જ્યારે ભાજપ રાહુલ ગાંધીને ટ્રોલ કરતું હતું ત્યારે સ્ટાલિને જ તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર ગણાવ્યા હતા. બીજી તરફ, કોંગ્રેસે એઆઇએડીએમકે (AIADMK)ને સત્તાથી દૂર રાખવા અને ભાજપને રોકવા માટે વિજય સાથે હાથ મિલાવવાની તૈયારી કરી લીધી છે, જેના માટે વિજયે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને પત્ર લખીને સમર્થન પણ માંગ્યું છે.
તમિલનાડુ વિધાનસભાની કુલ ૨૩૪ બેઠકોમાંથી બહુમતી માટે ૧૧૮ બેઠકોની જરૂર છે. ચૂંટણી પરિણામોની સ્થિતિ નીચે મુજબ છે.
TVK ની બેઠકો: ૧૦૮ બેઠકો મેળવી છે.
કોંગ્રેસનો સાથ: કોંગ્રેસના ૫ ધારાસભ્યો છે, જેમના ટેકા બાદ આ આંકડો ૧૧૩ પર પહોંચે છે.
વધારાની જરૂરિયાત: કોંગ્રેસના સમર્થન છતાં વિજયને સરકાર બનાવવા માટે હજુ પણ ૫ અન્ય ધારાસભ્યોના ટેકાની જરૂર પડશે.
વિજય માટે બહુમતી સાબિત કરવી એટલી સરળ નથી કારણ કે કેટલીક ટેકનિકલ બાબતો આંકડાકીય ખેલ બગાડી શકે છે: વિજય પેરમ્બુર અને તિરુચિરાપલ્લી પૂર્વ એમ બંને બેઠકો પરથી જીત્યા છે. નિયમ મુજબ તેમણે એક બેઠક પરથી રાજીનામું આપવું પડશે, જેનાથી TVKની સંખ્યા ઘટીને ૧૦૭ થઈ જશે.





