(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ઉત્તરપ્રદેશના ગોંડામાં એક કરૂણ ઘટના સામે આવી છે. પોતાની સાસુના અંતિમ સંસ્કાર કરાવવા માટે નદી કાંઠે ગયેલા જમાઈને મગર તાણી જતા હાહાકાર સર્જાયો હતો. ગ્રેટર નોએડામાં રહેતો ૩૦ વર્ષનો દીપક તેની સાસુ ઉર્મિલા દેવીના અંતિમ સંસ્કાર માટે ગોંડા ગામ ગયો હતો. અગ્નિસંસ્કાર ઘાઘરા નદીના કાંઠે થઈ રહ્યા હતા. અગ્નિસંસ્કાર કરવા માટે દીપકે પહેલા ખાડો ખોધ્યો હતો અને પછી માટીવાળા હાથ ધોવા માટે ઘાઘરા નદીના પાણીમાં ગયો હતો. જો કે જેવો તેણે હાથ પાણીમાં નાંખ્યો કે અંદર ટાંપીને બેઠેલા મગરે સીધું દીપકનું માથું જ પોતાના જડબામાં દબાવીને તેને ઝડપથી ઊંડા પાણીમાં ખેંચી લીધો હતો.
કિનારે ઉભેલા લોકો કંઈ સમજે અને બચાવ માટે કંઈ કરે એ પહેલા મગર ખાસ્સો દૂર જતો રહ્યો હતો. દિપકને બચાવી શકાયો ન હોતો. આમ સાસુ પાછળ જમાઈનું મોત થતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.





