સરકારી સાક્ષી બનાવાયા રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરી કેસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે : ૩ અને ૪ જૂને ચોરીની ઘટનાઓ સામે આવી હતી ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલા રામ મંદિરમાં દાન ચોરીના મામલામાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. આ ચાર્જશીટમાં ચોરીની ઘટનાથી લઈને પોલીસ કાર્યવાહી સુધીના અનેક મહત્ત્વપૂર્ણ ખુલાસા થયા છે. પોલીસે આ કેસમાં ૮ લોકોને આરોપી બનાવ્યા છે, જ્યારે કેટલાક મુખ્ય અધિકારીઓને ક્લીન ચિટ આપવામાં આવી છે.
પોલીસે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના પૂર્વ મહાસચિવ ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવને આ કેસમાં ક્લીન ચિટ આપી દીધી છે. પોલીસ દ્વારા આ ત્રણેય પદાધિકારીઓને આ મામલામાં આરોપી બનાવવાના બદલે મહત્ત્વના સાક્ષી બનાવવામાં આવ્યા છે.
પોલીસની ચાર્જશીટ મુજબ, ૩ જૂને સૌથી પહેલાં અવિનાશ શુક્લા, કરુણેશ પાંડે, અનુકલ્પ મિશ્રા અને લવ કુશ મિશ્રાને ચોરી કરતા પકડવામાં આવ્યા હતા. તે દિવસે દાન ગણનાર કર્મચારી મદન ગોપાલ નિગમે આ લોકોને નોટોના બંડલ છુપાવતા જાેયા હતા. ત્યારબાદ ૪ જૂને પણ ચોરીની અન્ય ઘટના સામે આવી હતી, જ્યાં અવિનાશ શુક્લાને સંત પ્રસાદ વર્મા નામના કર્મચારીએ ચોરી કરતા પકડ્યો હતો. ચેકિંગ દરમિયાન ચોરી કરાયેલા ૨,૨૫,૦૦૦ રૂપિયા બાથરૂમમાંથી મળી આવ્યા હતા.
ચાર્જશીટમાં જણાવ્યા અનુસાર, ૪ જૂનની રાત્રે દિલ્હીથી ટ્રેન દ્વારા અયોધ્યા આવી રહેલા ચંપત રાયને આ ચોરીની જાણકારી આપવામાં આવી હતી અને તેમને ચોરીના વીડિયો પણ મોકલવામાં આવ્યા હતા. ૫ જૂને અયોધ્યા પહોંચ્યા બાદ તેમણે કારસેવકપુરમ સ્થિત આવાસે બેઠક યોજી હતી, જેમાં તેમને લેપટોપ પર સીસીટીવી ફૂટેજ પણ દેખાડવામાં આવ્યા હતા. જાેકે, આ બાબતની જાણ હોવા છતાં ૭ જૂને ચંપત રાયે ટ્રસ્ટના આંતરિક ઓડિટ અંગેનું નિવેદન જારી કર્યું હતું.
તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં આરોપીઓનો કારનામો સામે આવ્યો છે. અવિનાશ શુક્લા ૮૫ વાર ચોરી કરતો અને ૪ વાર મદદ કરતો નજરે પડ્યો છે. જ્યારે મનીષ યાદવ નામના કર્મચારીએ ૧૫ એપ્રિલ, ૨૦૨૬થી ૩ જૂન, ૨૦૨૬ વચ્ચેના માત્ર ૫૦ દિવસના ગાળામાં ૧૬ વાર ચોરી કરી હતી અને ૧૯ વાર ચોરીમાં મદદ કરી હતી. આ ઉપરાંત અન્ય આરોપીઓ પણ આ સિન્ડિકેટમાં સામેલ હતા.
આ ચાર્જશીટમાં એક ચોંકાવનારી વિગત એ પણ સામે આવી છે કે નિવૃત્ત બેંક કર્મચારી સુભાષ શ્રીવાસ્તવ પણ આ ચોરીમાં સંડોવાયેલા હતા. સુભાષ શ્રીવાસ્તવ ૭ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ નિવૃત્ત થયા હતા અને તેમને દાનપેટીમાંથી મળતું દાન બેંકમાં જમા કરાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. વધુ રકમ ચોરી કરવાના લાલચે સિક્યુરિટી ગાર્ડ્સ દ્વારા આરોપીઓની ચેકિંગ ન થાય તે માટે તેણે સાથ આપ્યો હતો.
પોલીસની કાર્યવાહીમાં પકડાયેલા ૭ આરોપીઓ પાસેથી કુલ ૭૯,૮૫,૪૯૩ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસના તમામ ૮ આરોપીઓના બેંક ખાતામાં કુલ ૯૮,૩૦,૦૦૦ રૂપિયા જમા હોવાની પુષ્ટિ થઈ છે. આ સમગ્ર મામલે પોલીસે કુલ ૧૩૩ સાક્ષીઓનો ઉલ્લેખ કર્યો છે, જેમાં ચંપત રાય, અનિલ મિશ્રા અને પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે.




