ટોળાએ ગાડી પર કાદવ-બોટલો અને ચપ્પલ ફેંક્યા મમતા બેનર્જીના કાફલા પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યા સ્થિતિ વધુ વણસે તે પહેલાં સુરક્ષા દળોએ મોરચો સંભાળ્યો હતો અને મમતા બેનર્જીને સુરક્ષિત રીતે ત્યાંથી બહાર કાઢ્યા હતા
પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં પૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા મમતા બેનર્જીના કાફલા પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. હલિશહરમાં બનેલી આ ઘટનામાં ટોળાએ મમતા બેનર્જીની ગાડીને ચારેય તરફથી ઘેરી લીધી હતી. આ દરમિયાન ગાડી પર કાદવ, પાણીની બોટલો અને ચપ્પલ ફેંકવામાં આવ્યા હતા.
સ્થિતિ વધુ વણસે તે પહેલાં પોલીસ અને સુરક્ષા દળોએ મોરચો સંભાળ્યો હતો અને મમતા બેનર્જીને સુરક્ષિત રીતે ત્યાંથી બહાર કાઢ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે, મમતા બેનર્જી એક સ્થાનિક TMC કાર્યકર્તાના પરિવારને મળવા જઈ રહ્યા હતા. આ કાર્યકર્તાનું શુક્રવારે પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ સંજાેગોમાં મોત થયું હતું. આ ઘટનાને લઈને સ્થાનિક લોકો અને પરિવારજનોમાં પોલીસ સામે ભારે રોષ જાેવા મળી રહ્યો હતો. મમતા બેનર્જીનો કાફલો હલિશહર વિસ્તારમાં પહોંચ્યો ત્યારે રસ્તા પર પહેલેથી જ મોટી સંખ્યામાં લોકો વિરોધ કરી રહ્યા હતા. ટોળાએ મમતા બેનર્જીના કાફલાને આગળ વધતો અટકાવ્યો હતો. થોડા જ સમયમાં વિરોધ ઉગ્ર બન્યો અને પ્રદર્શનકારીઓએ મમતા બેનર્જીની ગાડીને ચારેય તરફથી ઘેરી લીધી હતી.
વિરોધ કરી રહેલા ટોળાએ મમતા બેનર્જીની ગાડી પર કાદવ ફેંક્યો હતો. આ ઉપરાંત પાણીની બોટલો અને ચપ્પલ પણ ગાડી તરફ ફેંકવામાં આવ્યા હતા. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ મમતા બેનર્જી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. ઘટનાને પગલે સ્થળ પર તણાવપૂર્ણ સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. જાેકે, ભીડ વધુ આક્રમક બનતાં જ ઘટનાસ્થળે હાજર પોલીસ અને સુરક્ષા દળોએ સ્થિતિ સંભાળી હતી. સુરક્ષાકર્મીઓએ મમતા બેનર્જીની ગાડીની આસપાસ સુરક્ષા કવચ બનાવ્યું હતું અને તેમને તણાવપૂર્ણ વિસ્તારમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
આ ઘટનાને લઈને મમતા બેનર્જીએ પણ નિવેદન આપ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે પોલીસની હાજરીમાં જ કેટલાક અસામાજિક તત્વોએ તેમની ગાડી પર મોટા પથ્થરો ફેંક્યા હતા. મમતા બેનર્જીએ કહ્યું કે હુમલો એટલો ગંભીર હતો કે જાે ગાડીની બારી ખુલ્લી હોત તો તેમનું માથું ફાટી જાત. તેમણે કહ્યું કે તેમણે પોતાના જીવનમાં આ પ્રકારની ઘટના અગાઉ ક્યારેય જાેઈ નથી અને આ બધું પોલીસની હાજરીમાં થયું હોવાનું જણાવ્યું હતું.
મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળની કાયદો-વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા.
તેમણે પોલીસ પ્રશાસન પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે પોલીસ ભાજપને સુરક્ષા આપી રહી છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે આખરે રાજ્યમાં શું ચાલી રહ્યું છે? મમતા બેનર્જીના આ નિવેદન બાદ ઘટનાને લઈને પશ્ચિમ બંગાળમાં રાજકીય ચર્ચા વધુ તેજ બની છે.





