
તાત્કાલિક લઈ જવો પડ્યો હોસ્પિટલ.દિલ્હી કેપિટલ્સના ખેલાડીને બોલ વાગતા લોહીલુહાણ.સાહિલ પારખને ચહેરા પર બોલ વાગવાથી ગંભીર ઈજા.દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અક્ષર પટેલની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સ ટીમ શનિવારે પંજાબ કિંગ્સ સામે ટકરાવાની છે. જેને લઈને ટીમ પ્રેક્ટિસ કરી રહી હતી. ત્યારે ટીમના યુવા ખેલાડી સાહિલ પારખને ચહેરા પર બોલ વાગવાથી ગંભીર ઈજા થઈ હતી. આ ઈજા એટલી ગંભીર હતી કે તાત્કાલિક મેદાનમાં એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
આ ઘટના શુક્રવારે અરુણ જેટલી સ્ટેડિયમમાં બની હતી, જ્યારે દિલ્હી કેપિટલ્સની ટીમ તેમની આગામી મેચ પહેલા પ્રેક્ટિસ સેશન કરી રહી હતી. જ્યારે ૧૮ વર્ષીય સાહિલ પારખ બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે એક બોલ તેના ચહેરા પર સીધો વાગ્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અહેવાલો અનુસાર, બોલ તેના હેલ્મેટ પર એટલા જાેરથી વાગ્યો કે તેના ચહેરા પરથી લોહી વહેવા લાગ્યું હતું. પ્રેક્ટિસ સેશન અટકાવી દેવામાં આવ્યું હતું અને તબીબી સ્ટાફે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી, ત્યારબાદ ખેલાડીને વિશેષ સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ ઘટનાએ દિલ્હી કેપિટલ્સ માટે આ સિઝનમાં વધતી જતી ઈજાની ચિંતાઓમાં વધારો કર્યો છે. મેડિકલ તપાસ બાદ જ ખબર પડશે કે સાહિલ પારખની ઈજા કેટલી ગંભીર છે, ત્યાર બાદ ટીમ મેનેજમેન્ટ વિગતવાર માહિતી આપશે તેવી શક્યતા છે.





