
ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે કહ્યું સંજુને પ્લેઇંગ ૧૧માં જગ્યા આપવાનો ર્નિણય આક્રમક વિચારથી પ્રેરિત હતો ગૌતમ ગંભીરે કહ્યું કે, સંજુ સેમસન પાસે પાવર પ્લેમાં મેચને પોતાની ટીમના પક્ષે ઝૂકાવવાની ક્ષમતા છે ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે કહ્યું કે, ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ દરમિયાન સંજુ સેમસનને પ્લેઇંગ ૧૧માં જગ્યા આપવાનો ર્નિણય આક્રમક વિચારથી પ્રેરિત હતો. કોઈ ટેકનિકલ ખામીના કારણે તેને ટીમમાં લાવવામાં આવ્યો નહોતો. ગંભીરે કહ્યું કે, સંજુ પાસે પાવર પ્લેમાં મેચને પોતાની ટીમના પક્ષે ઝૂકાવવાની ક્ષમતા છે.
ગંભીરે જિયોસ્ટાર પર કહ્યું કે, મને ખબર છે કે, ઘણાં લોકો આ વિષય પર વાત કરશે કે, અમે ટોપના ત્રણ ડાબોડી બેટ્સમેનોથી થઈ રહેલી સમસ્યાને કેવી રીતે ઉકેલવા માંગતા હતા. અમને લાગ્યું કે, અમે વધુ આક્રમક થવા માગીએ છીએ. કેમ કે, છેલ્લા દોઢ વર્ષથી અમારો વિચાર એ જ રહ્યો છે કે મેદાન પર જઈને જેટલું થઈ શકે એટલા આક્રમક રહીએ.
ગંભીરે જણાવ્યું કે, સંજુને લાવવાનું કારણ બીજા છેડે ઓફ સ્પિનરને મેનેજ કરવાનું નહોતું. મારું માનવું છે કે, એક સારો બેટ્સમેન કોઈપણ બોલર સામે સારું રમશે. પછી તે ઓફ સ્પિનર હોય કે લેફ્ટ આર્મ સ્પિનર. આવું કરવા પાછળનું કારણ એ હતું કે અમે ટોપ પર વધુ આક્રમક રહીને પહેલી છ ઓવરમાં વધુમાં વધુ રન બનાવી શકીએ.
તેઓએ કહ્યું કે અમે જાણીએ છીએ કે સંજુ શું કરી શકે છે. તેની પ્રતિભા અને રમત પર કોઈને ક્યારેય શંકા નહોતી. જાે તે સારું રમે છે, તો તે તમને પહેલી છ ઓવરમાં જ મેચ જીતાવી શકે છે. વિચારો કે અભિષેક, સંજુ અને ઈશાન તમારા ટોપ ત્રણ ખેલાડી છે, અને પછી તમારી પાસે સૂર્યા, હાર્દિક, તિલક, શિવમ અને અક્ષર જેવા ખેલાડી છે, તો તેનાથી સારી વાત શું હોઈ શકે.
સેમસનની પ્લેઇંગ ૧૧માં વાપસી પર વિસ્તારથી વાત કરતા ગંભીરે કહ્યું, મેં તેને જીમમાં આ અંગે વાત કરી. અમે બંને સાથે ટ્રેનિંગ કરી રહ્યા હતા. મેં તેને બસ જણાવ્યું કે તું ઝિમ્બાબ્વે સામે રમીશ, અને તેણે કહ્યું ‘આવવા દો‘.
અમારી આ પ્રકારની વાતચીત થતી રહે છે. આવી વાતચીત અમે કોચ કે ખેલાડીના નાતે નથી કરતા, આ એક એવો સંબંધ છે જ્યાં અમારી મોટા ભાગની વાતચીત પ્રેક્ટિસ સેશન દરમિયાન આમને સામને થતી હોય છે.
સેમસને પ્લેઇંગ ઇલેવનમાં વાપસી બાદ વેસ્ટઇન્ડીઝ સામે અણનમ ૯૭, સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે ૮૯ અને ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ૮૯ રનની ઇનિંગ રમી હતી. આમ સતત ત્રણ ઇનિંગમાં તેણે ભારતને ચેમ્પિયન બનાવતા ટુર્નામેન્ટમાં સવર્શ્રેષ્ઠ ખેલાડીનો ખિતાબ જીત્યો.




