
ભારતીય ટીમને મોટો ઝટકો ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી હાર્દિક પંડ્યા બહાર, કોહલી માટે કપરાં ચઢાણ! કોહલીની પસંદગી ફિટનેસ ટેસ્ટના પરિણામ પર ર્નિભર ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની વનડે (ODI) સીરિઝ રમી રહી છે, પરંતુ તે પૂરી થાય તે પહેલાં જ આગામી ઈંગ્લેન્ડ પ્રવાસને લઈને મોટા અહેવાલો સામે આવ્યા છે. ભારતી ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત હોવાના કારણે ઈંગ્લેન્ડ સામેની આગામી સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. બીજી તરફ, વિરાટ કોહલીની પસંદગી પણ તેના ફિટનેસ ટેસ્ટના પરિણામ પર ર્નિભર રહેશે.
અહેવાલો અનુસાર, ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યાને અફઘાનિસ્તાન સામેની વનડે સીરિઝમાં પણ સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ ફિટનેસ સમસ્યાઓના કારણે તે એક પણ મેચ રમી શક્યો નથી. હવે તે ઈંગ્લેન્ડ પ્રવાસ સુધી પણ રિકવર થઈ શકે તેમ ન હોવાથી, તેને આ મહત્ત્વપૂર્ણ સીરિઝમાંથી બહાર રાખવાનો ર્નિણય લેવાયો છે.
IPL આ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને સતત બીજી વખત ચેમ્પિયન બનાવવામાં વિરાટ કોહલીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી અને ફાઇનલમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. જાેકે, આ દરમિયાન તેને હેમસ્ટ્રિંગની ઇજા થઈ હતી, જેના કારણે તે અફઘાનિસ્તાન સામેની વનડે સીરિઝ રમી શક્યો નથી. કોહલી હાલ રમતથી દૂર છે અને આગામી ૨૬મી જૂને ઈંગ્લેન્ડમાં જ તેમનો ફિટનેસ ટેસ્ટ થશે. જાે વિરાટ આ ટેસ્ટ પાસ કરશે, તો જ તેને ઈંગ્લેન્ડ સામેની સીરિઝ માટે ટીમમાં પસંદ કરવામાં આવશે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેનો પ્રવાસ પહેલી જુલાઈથી શરૂ થશે. જેમાં પહેલી જુલાઈથી બંને દેશો વચ્ચે ૫ આંતરરાષ્ટ્રીય T20 મેચોની સીરિઝ રમાશે. ત્યારબાદ ૩ મેચની વનડે સીરિઝ રમાશે, જેની શરૂઆત ૧૪મી જુલાઈથી બર્મિંગહામ ખાતે થશે. આ સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ ઐતિહાસિક લોર્ડ્સના મેદાન પર રમાશે. અફઘાનિસ્તાન સામેની વનડે સીરિઝમાં ટીમ મેનેજમેન્ટે બે નવા યુવા ચહેરાઓને તક આપીને પ્રયોગો કર્યા છે. પહેલી બે વનડે બાદ હવે ત્રીજી મેચમાં પણ આ યુવા ખેલાડીઓને અજમાવવામાં આવશે. આ પ્રદર્શનના આધારે જ ઈંગ્લેન્ડ પ્રવાસ માટેના ખેલાડીઓના નામ નક્કી થશે. ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત આવતા અઠવાડિયે થાય તેવી પૂરેપૂરી સંભાવના છે.





