
ઈશ સોઢી પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત મેચ વિનર બોલર ઇશ સોઢી ઈજાને કારણે સિરીઝમાંથી બહાર થયો પહેલી મેચ માઉન્ટ મૌંગાનુઈ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જ્યાં દક્ષિણ આફ્રિકાએ ન્યુઝીલેન્ડને ૭ વિકેટથી હરાવ્યું હતું
દક્ષિણ આફ્રિકાની ટીમ હાલમાં પાંચ મેચની T20 શ્રેણી માટે ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની પહેલી મેચ માઉન્ટ મૌંગાનુઈ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જ્યાં દક્ષિણ આફ્રિકાએ એકતરફી મુકાબલામાં ન્યુઝીલેન્ડને ૭ વિકેટથી હરાવ્યું હતું. દરમિયાન, પ્રથમ T20 મેચમાં હાર બાદ ન્યુઝીલેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો મેચ વિનર બોલર ઇશ સોઢી ઈજાને કારણે આખી શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. સોઢી બહાર થતા ન્યુઝીલેન્ડે હજુ સુધી તેના સ્થાને કોઈ ખેલાડીની જાહેરાત કરી નથી.
સોઢીને ૧૪ માર્ચે બે ઓવલ ખાતે પ્રેક્ટિસ સેશન દરમિયાન બોલિંગ કરતી વખતે ઈજા થઈ હતી. ઈજા બાદ સ્કેન કરતા તેના અંગૂઠામાં ફ્રેક્ચર જાેવા મળ્યું, જેના કારણે તેને શ્રેણીમાંથી બહાર થવું પડ્યું છે.
આ ઈજામાંથી સાજા થવામાં તેને ઓછામાં ઓછા ચાર અઠવાડિયાનો સમય લાગવાની શક્યતા છે. સોઢી પહેલી T20 મેચમાં રમ્યો નહોતો. આ મેચમાં મિશેલ સેન્ટનરે કોલ મેકકોન્ચી સાથે ન્યુઝીલેન્ડના સ્પિન બોલિંગ આક્રમણની જવાબદારી સંભાળી હતી.
સોઢીની ઈજા વિશે વાત કરતા ન્યુઝીલેન્ડના કોચ રોબ વોલ્ટરે જણાવ્યું હતું કે ઇશ ન્યુઝીલેન્ડ માટે રમવા માટે ખૂબ જ ઉત્સાહી છે, અને અમે જાણીએ છીએ કે ૨૦૨૬ના T20 વર્લ્ડ કપ અભિયાન પછી તે તેના ઘરઆંગણે દર્શકો સામે રમવા માટે આતુર હતો. તેમણે ઉમેર્યું કે તેની પાસે T20 ફોર્મેટમાં બહોળો અનુભવ છે, તેથી અમે ચોક્કસપણે શ્રેણીની બાકીની મેચોમાં તેની ગેરહાજરી અનુભવીશું. લોકી ફર્ગ્યુસન બીજી અને ત્રીજી મેચમાં રમવાનો હતો તે હવે સોઢી બહાર થતાં ટીમમાં જાેડાયો છે. તેને બીજી મેચમાં રમવાની તક મળી શકે છે.
ઈશ સોઢીની વાત કરીએ તો, તે હાલમાં T20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ચોથા ક્રમે છે. ૨૦૨૬ના T20 વર્લ્ડ કપ દરમિયાન તેને ત્રણ મેચ રમવાની તક આપવામાં આવી હતી. આ ત્રણ મેચમાંથી તેણે બેમાં બોલિંગ કરી હતી, પરંતુ બંને વાર વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો. ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શ્રેણીની બીજી T20 મેચ ૧૭ માર્ચે રમાશે.




