
કે.એલ.રાહુલના નામે નોંધાયો અનોખો રેકોર્ડ કે.એલ. રાહુલે પોતાની ટેસ્ટ કારકિર્દીની ૧૨મી સદી પૂરી કરી ટેસ્ટ ક્રિકેટમાં ત્રણ વખત બરાબર ૧૦૦ રન પર આઉટ થનાર કે.એલ. રાહુલ પ્રથમ ભારતીય બેટર બન્યો છે ક્રિકેટ જગતમાં હંડ્રેડ એન્ડ આઉટ વાક્ય ઘણું પ્રખ્યાત છે, જેનો અર્થ થાય છે કે બેટર સદી પૂરી કરીને તરત જ પોતાની વિકેટ ગુમાવી બેસે. પરંતુ હવે આ વાક્ય વૈશ્વિક સ્તરે ભારતીય સ્ટાર બેટર કે.એલ. રાહુલ સાથે જાેડાઈ ગયું છે. અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચના પહેલા જ દિવસે રાહુલે એક એવો અનોખો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે, જે ટેસ્ટ ક્રિકેટના ૧૪૯ વર્ષથી વધુના ઇતિહાસમાં કોઈ પણ બેટર ક્યારેય બનાવી શક્યો નથી.
શનિવારે ભારતીય ઇનિંગ્સ દરમિયાન ન્યૂ ચંડીગઢની પીચ પર અનુભવી જમણા હાથના ઓપનર કે.એલ. રાહુલે અફઘાન બોલર ઝિયાઉર રહેમાન શરીફીને શાનદાર ફ્લિક શોટ ફટકારીને બે રન લીધા અને પોતાની ટેસ્ટ કારકિર્દીની ૧૨મી સદી પૂરી કરી હતી. સદી પૂરી થતાં જ રાહુલે હંમેશની જેમ હેલ્મેટ ઉતારી, હવામાં હાથ ઊંચા કરીને ખુશી વ્યક્ત કરી હતી. પરંતુ આ ખુશી માત્ર એક બોલ પૂરતી જ સીમિત રહી. સદી પૂરી કર્યા પછીના જ બોલ પર ઝિયાઉર રહેમાને ઓફ-સ્ટમ્પની સહેજ બહાર લુપી હાફ-વોલી બોલ ફેંક્યો. રાહુલે તેને મિડલ કરીને શાનદાર કવર ડ્રાઇવ ફટકાર્યો, જે જાેવામાં એકદમ પરફેક્ટ બાઉન્ડ્રી જેવો લાગતો હતો. જાેકે, શોર્ટ કવર પર ફિલ્ડિંગ ભરી રહેલા અફઘાનિસ્તાનના રહેમાનુલ્લાહ ગુરબાઝે ચિત્તા જેવી ચપળતા બતાવી જમણી બાજુ અદભુત ડાઇવ લગાવીને કેચ પકડી લીધો હતો. આ સાથે જ રાહુલની ૧૬૫ બોલમાં બરાબર ૧૦૦ રનની ઇનિંગનો આશ્ચર્યજનક અંત આવ્યો હતો.
આ અનોખી ઇનિંગ સાથે જ કે.એલ. રાહુલે ભારત અને વિશ્વ ક્રિકેટમાં ઘણાં મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં ત્રણ વખત બરાબર ૧૦૦ રન પર આઉટ થનાર કે.એલ. રાહુલ પ્રથમ ભારતીય બેટર બન્યો છે. અગાઉ આ રેકોર્ડ સંયુક્ત રીતે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના નામે હતો, જેઓ કરિયરમાં બે વાર બરાબર ૧૦૦ રને આઉટ થયા હતા. વિશ્વ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવ વો અને ગ્રીમ વુડ ૩-૩ વાર તેમજ ઇંગ્લેન્ડના સર લિયોનાર્ડ હટન ૪ વાર બરાબર ૧૦૦ રને આઉટ થવાનો રેકોર્ડ ધરાવે છે.
જાેકે આ તમામ દિગ્ગજાે અલગ-અલગ સમયે ૧૦૦ રને આઉટ થયા હતા, જ્યારે કે.એ.લ રાહુલે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સતત ત્રણ ઇનિંગ્સમાં બરાબર ૧૦૦ રન બનાવીને આઉટ થવાની અનોખી હેટ્રિક નોંધી છે. આ અવિશ્વસનીય સાતત્યતાએ રાહુલને ક્રિકેટના ઇતિહાસના પાનાઓ પર અમર કરી દીધો છે.





