
વોશિંગ્ટન સુંદર ODI સિરીઝમાંથી બહાર.BCCIએ દિલ્હીના ઓલરાઉન્ડર આયુષ બદોનીને તક આપી છે.મેચમાં વોશિંગ્ટન સુંદરને ઈજા થઈ હતી : તબીબી સલાહ બાદ તેને આખી સિરીઝમાંથી બહાર કરવામાં આવ્યો છે.ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી ત્રણ મેચની ODI શ્રેણી દરમિયાન ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્પિન-બોલિંગ ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ૧૧ જાન્યુઆરી, રવિવારના રોજ વડોદરા ODI દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. વડોદરા સ્થિત કોટંબી સ્ટેડિયમમાં બોલિંગ કરતી વખતે વોશિંગ્ટન સુંદરને સાઈડ સ્ટ્રેનના કારણે અચાનક દુખાવો થવા લાગ્યો. દુખાવો વધતાં તેને મેદાન છોડીને જવું પડ્યું. સુંદર હવે બાકીની બે મેચમાંથી બહાર થયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વોશિંગ્ટન સુંદરના રિપ્લેસમેન્ટની પણ જાહેરાત કરી છે. BCCI એ દિલ્હીના પાવરફુલ ઓલરાઉન્ડર આયુષ બદોનીને તક આપી છે. ૨૬ વર્ષીય ખેલાડી તાજેતરમાં વિજય હજારે ટ્રોફી ૨૦૨૫-૨૬માં રમ્યો હતો. આ એ જ ખેલાડી છે જેને શોધવામાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
આયુષ બદોની એક શાનદાર ઓલરાઉન્ડર છે, તે બેટિંગ સાથે સ્પિન બોલિંગ પણ કરે છે. ઘરેલુ ક્રિકેટમાં દિલ્હી તરફથી રમે છે. તો આયુષેIPL લખનૌ સુપર જાયન્ટ્સ માટે પણ સારું પ્રદર્શન કર્યું છે. તે મિડલ ઓર્ડરમાં ઝડપથી સ્કોર કરી શકે છે અને જરૂર પડ્યે ઓફ-સ્પિન બોલિંગ પણ કરે છે. BCCI દ્વારા તેને પહેલીવાર તક આપવામાં આવી છે.
સૌથી મોટો પ્રશ્ન એ છે કે બદોનીને ટીમમાં શામેલ કરવા પાછળ કઈ ખાસિયત છે. તે નંબર ૩થી ૭ સુધી બેટિંગ કરી શકે છે. પછી ભલે ઇનિંગ્સને સંભાળવાની હોય કે તેને ફિનિશ કરવાની બદોની તે પ્રશંસનીય રીતે કરે છે. તેણે અનેક વખત એકલા હાથે દિલ્હીને વિજય અપાવ્યો છે. બેટથી ઘાતક હોવા ઉપરાંત આ ખેલાડીએ બોલિંગથી પણ મેચને પલટવાની ક્ષમતા ધરાવે છે. તેણે વ્યાવસાયિક ક્રિકેટમાં કુલ ૫૭ વિકેટ લીધી છે.




