
દુબઇ અને મધ્યપૂર્વના બીજા એરપોર્ટ પર સેંકડો ભારતીયો ફસાયા ઈરાનમાં ૨૦૦૦ કાશ્મીરી સહિત ૩૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા પીડિત વિદ્યાર્થીઓની વ્યથા: દૂતાવાસે ઈરાન છોડવા સલાહ આપી ત્યારે યુનિવર્સિટીએ સહકાર ન આપ્યો યુએસ-ઈઝરાયેલની સંયુક્ત સેનાએ શરૂ કરેલા હુમલામાં ઈરાનની હાલત કફોડી થઈ છે. સર્વાેચ્ચ નેતા અયાતુલ્લાહ ખામેનેઇના મોત બાદ ઈરાનમાં અરાજકતા અને અજંપાનો માહોલ છે. ઈરાનમાં ચારે તરફ બોમ્બ ધડાકાના અવાજ સંભળાઈ રહ્યા છે ત્યારે ૩૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓ અને પરિવારજનોના જીવ તાળવે ચોંટી ગયા છે. યુદ્ધગ્રસ્ત ઈરાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓમાંથી ૨૦૦૦ કાશ્મીરના છે. ભારત સહિત અનેક દેશોએ ઈરાન, યુએઈ, ઈઝરાયેલ સહિતના અખાતી દેશોમાં વસતા પોતાના નાગરિકોને સાવચેતી રાખવા જણાવ્યું છે અને આ દેશોમાં હવાઈ સેવા સંપૂર્ણ ઠપ છે. ઈરાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓમાંથી ૧૧૦૦-૧૨૦૦ જેટલા સૌથી વધુ પ્રભાવિત વિસ્તારમાં છે.
જમ્મુ-કાશ્મીર વિદ્યાર્થી સંગઠનના નેશનલ કન્વીનર નાસિર ખુએહામીએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓને તાત્કાલિક ઉગારવા માટે વડાપ્રધાનને રજૂઆત કરવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, હજારો ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો વર્ષાેથી ઈરાનાં વસવાટ કરે છે. આ તમામ લોકો અને તેમના પરિવારજનો ચિંતામાં છે. ખાસ કરીને કાશ્મીર ખીણના લોકો અત્યંત ગભરાયેલા છે. કાશ્મીર ખીણના વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે. ફસાયેલા ૩૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓમાંથી ૨,૦૦૦ કાશ્મીરી છે. ૧૧૦૦-૧૨૦૦ વિદ્યાર્થી હજુ ત્યાં છે અને ઝડપથી બચાવી લેવા તેઓ માગણી કરે છે. તેમના માટે એવેક્યુશન ઓપરેશન તાત્કાલીક હાથ ધરવા વડાપ્રધાન મોદીને રજૂઆત કરી છે. ફસાયેલા વિદ્યાર્થીઓને ઉગારવા માટે રાજદ્વારી તથા અન્ય સ્તરે પ્રયાસો હાથ ધરવા માટે સરકાર સમક્ષ માગણી કરાઈ છે ત્યારે વિદેશ મંત્રાયલે ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર નહીં નીકળવા અને સલામત સ્થળે ખસી જવા જણાવ્યું છે.
ઈરાનમાં વસતી ભારતીય વિદ્યાર્થિની આયેશાએ કહ્યું હતું કે, દર ૧૫ મિનિટે બોમ્બ ધડાકા સંભળાય છે. એમ્બેસીએ ઈરાન છોડવા એડવાઈઝરી જારી કરી હતી, પરંતુ યુનિવર્સિટીએ સહકાર આપ્યો હતો. ઈરાનમાંથી જઈએ તો નાપાસ કરવાની ચીમકી અપાઈ હતી. ઈન્ટરનેટ બંધ કરી દેવાયું છે.અમેરિકા અને ઇઝરાયલના ઈરાન પરના હુમલા પછી પશ્ચિમ એશિયાની ફ્લાઇટ્સ ખોરવાઈ ગઈ હોવાથી સેંકડો ભારતીયો દુબઈ અને અન્ય મુખ્ય હબ એરપોર્ટ પર ફસાયા હતાં અને ઘણાએ સોશિયલ મીડિયા પર ભારત સરકારને મદદ માટે અપીલ કરી હતી. બીજી તરફ સરકારે જણાવ્યું હતું કે ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવાના પ્રયાસો ચાલુ કરવામાં આવ્યાં છે. દુબઇમાં ઓલિમ્પિક મેડલ વિજેતા પી.વી. સિંધુ, કર્ણાટકના જેડી(એસ) એમએલસી એસ.એલ. ભોજેગૌડા અને તેમનો પરિવાર, બંગાળી અભિનેત્રી શુભશ્રી ગાંગુલી અને તેમના પુત્ર, અનેક પ્રવાસીઓ અને વિદ્યાર્થી ગ્રુપો ફસાયેલા હતાં. ફ્લાઇટ રદ થવાને કારણે મધ્યપ્રદેશના બે ભૂતપૂર્વ ધારાસભ્યો સહિત ૭૦૦થી વધુ લોકો સંયુક્ત આરબ અમીરાતમાં ફસાયેલા છે. ટ્રાવેલ એજન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના એમપી યુનિટના ચેરમેન અમોલ કટારિયાએ જણાવ્યું હતું કે તેઓ પર્યટન અને બિઝનેસ હેતુ માટે યુએઈ ગયા હતાં.




