
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે લેટેસ્ટ અપડેટ સર્જિયો ગોરે કહ્યું – ફક્ત ૧% મુદ્દાઓ પર ચર્ચા બાકી કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ખુલાસો કર્યો હતો કે આ ડીલ પર ૯૯% જેટલી વાતચીત પૂરી થઈ ગઈ છે ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલને લઈને સતત મોટા અને પોઝિટિવ અપડેટ્સ સામે આવી રહ્યા છે. બંને દેશો વચ્ચે લાંબા સમયથી અટકેલા મુદ્દાઓનો વહેલી તકે ઉકેલ લાવવા માટે હાલમાં જાેરશોરથી ચર્ચા ચાલી રહી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં જ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ખુલાસો કર્યો હતો કે આ ડીલ પર ૯૯% જેટલી વાતચીત સફળતાપૂર્વક પૂરી થઈ ગઈ છે. હવે ભારતમાં અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે પણ આ વાતને ટેકો આપતા જણાવ્યું છે કે, ઇન્ડિયા-યુએસ ટ્રેડ ડીલમાં હવે માત્ર ૧% જેટલા જ નાના-મોટા મુદ્દાઓ બાકી બચ્યા છે, જેને ઉકેલીને આગામી થોડા જ અઠવાડિયામાં આ મહત્ત્વનો કરાર પૂરો કરી લેવામાં આવશે.
ભારતમાં અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું છે કે, આ ટ્રેડ ડીલ પર આખરી ચર્ચા કરવા માટે અમેરિકાનું એક હાઈ-લેવલ વ્યાપાર પ્રતિનિધિમંડળ હાલમાં ભારતના પ્રવાસે આવ્યું છે. આ ઐતિહાસિક કરારનું મુખ્ય માળખું પહેલેથી જ સંપૂર્ણપણે તૈયાર કરી લેવામાં આવ્યું છે. હવે બંને દેશોના અધિકારીઓ સત્તાવાર હસ્તાક્ષર કરતા પહેલા બાકી રહેલા માત્ર ૧% જેટલા નાના-મોટા મુદ્દાઓ ઉકેલવા પર જ પોતાનું પૂરું ધ્યાન આપી રહ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે આ મહત્ત્વનો કરાર પૂરો થવામાં હવે વર્ષોનો સમય નહીં લાગે, પરંતુ આગામી ગણતરીના અઠવાડિયામાં જ આ કામ પૂરું થઈ જશે. સર્જિયો ગોર પહેલા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે પણ આ ડીલને લઈને આવો જ આશાવાદી સંકેત આપ્યો હતો. તેમણે ચાલુ સપ્તાહની શરૂઆતમાં જ સ્પષ્ટ કર્યું હતું કે, ભારત અને અમેરિકા પોતાના પ્રસ્તાવિત દ્વિપક્ષીય વ્યાપાર કરારના પ્રથમ તબક્કાને આખરી ઓપ આપવાની ખૂબ જ નજીક છે. નાની-મોટી સમસ્યાઓનું વહેલી તકે નિવારણ લાવવામાં આવી રહ્યું છે અને ભારત બહુ જ ટૂંક સમયમાં અમેરિકા સાથે પ્રથમ દ્વિપક્ષીય વ્યાપાર કરાર (BTA) પર સાઇન કરશે. એક તરફ જ્યાં ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર કરારને આખરી ઓપ આપવા માટે બેઠકો ચાલી રહી છે, તો બીજી તરફ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પ્લાનને લીધે ભારતીય બજારોમાં ચિંતાનો માહોલ જાેવા મળ્યો હતો. અહેવાલો મુજબ, ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત અને ચીન સહિતના કેટલાક દેશોમાંથી આવતી વસ્તુઓ પર ૧૨.૫%નો વધારાનો ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જાેકે, ભારતીય ઉદ્યોગોની આ ચિંતાઓને દૂર કરતા અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે સ્પષ્ટ ખુલાસો કર્યો છે કે, આ ટેરિફ પ્લાન વિશેષ રૂપે માત્ર ભારતને ટાર્ગેટ કરીને બનાવવામાં આવ્યો નથી, તેથી ભારતે આ બાબતે બહુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી.





