બોઈંગ ૭૩૭ કાર્ગાે વિમાન શારજાહથી કરાચી જતું હતું પાકિસ્તાનનું કાર્ગાે વિમાન અરબી સમુદ્રમાં તૂટી પડયું, કાટમાળ મળ્યો ટેક ઓફની ત્રણ મિનિટ પછી સંપર્ક તૂટયો, પાયલટે ‘રોલિંગ ઓર ફ્લોટિંગ’ની એલર્ટ આપી હતી : મિસિંગ પાંચ ક્રુની શોધખોળ શરૂ
પાકિસ્તાનની કે-૨ એરવેઝનું કાર્ગાે વિમાન શારજાહથી કરાચી આવતું હતું ત્યારે અરબ સાગરમાં તૂટી પડયું હતું. કરાચીથી ૩૦૦ કિલોમીટર દૂર વિમાન સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો. પાયલટ સહિત પાંચ ક્રૂ મેમ્બર્સની ભાળ મળી નથી, પરંતુ વિમાનનો કાટમાળ બલૂચિસ્તાનથી ૯૮ કિલોમીટર દૂરથી મળી આવ્યો હતો. પાયલટે વિમાન તૂટી પડયું તે પહેલાં નેવિગેશન સિસ્ટમમાં ખરાબીની જાણકારી આપી હતી અને છેલ્લે રોલિંગ ઓર ફ્લોટિંગનો એલર્ટ આપ્યો હતો. આ એલર્ટ લેન્ડિંગ એરરના સંદર્ભમાં હોય છે.કરાચીની ખાનગી એરલાઈન્સ કે-૨ એરવેઝનું કાર્ગાે વિમાન બોઈંગ ૭૩૭ યુએઈના શારજાહથી કરાચી આવવા નીકળ્યું હતું. ટેકઓફ થયાની ત્રણ મિનિટ પછી જ વિમાન સાથે સંપર્ક તૂટી ગયો હતો. પાયલટે નેવિગેશન સિસ્ટમમાં ગરબડ થયાની જાણકારી આપી પછી કંટ્રોલ રૂમમાંથી વિમાનને ગાઈડ કરવાની કોશિશ થઈ હતી, પરંતુ સદંતર સંપર્ક તૂટી જતાં તેની શોધખોળ આદરી હતી. છેલ્લે વિમાનને કરાચીથી ૨૮૭ કિલોમીટર દૂર ટ્રેક કરવામાં આવ્યું હતું. એના આધારે શોધખોળ શરૂ થઈ હતી.વિમાનના છેલ્લાં ડેટા પ્રમાણે વિમાને ઊંચાઈ ગુમાવી હતી, પણ પછી અચાનક ઉપર ઉડયું હતું. એ પછી ફરીથી તીવ્ર ઝડપે નીચે ખાબક્યું હતું અને એક મિનિટના સમયગાળામાં પાંચ હજાર ફૂટ નીચે આવ્યું હતું. વિમાનનું એન્જિન ફેલ થયું હોય એવી પણ અટકળો થઈ રહી છે. પાકિસ્તાનના એવિએશન એક્સપર્ટ્સે કહ્યું હતું કે આ રીતે તેજ ગતિથી નીચે આવે તે અસામાન્ય છે. તેની યોગ્ય તપાસ પછી જ આ દુર્ઘટનાની માહિતી મળશે.કે-૨ એરવેઝ ૨૦૧૮માં શરૂ થયેલી કંપની છે. જે વિમાન તૂટી પડયું એ બોઈંગ ૭૩૭ ૨૭ વર્ષ જૂનું વિમાન હતું અને ૨૦૨૪માં એરલાઈન્સે તેને ખરીદ્યું હતું. પાયલટે નેવિગેશન સિસ્ટમમાં ગરબડીની ફરિયાદ કરી હતી, પરંતુ જાે માત્ર નેવિગેશન સિસ્ટમ ખરાબ હોય તો બેકઅપ સિસ્ટમ અને કંટ્રોલ રૂમની મદદથી વિમાનનું લેન્ડિંગ શક્ય બની જાય છે. આ વિમાનમાં બીજી કોઈ ખામી હોવાની શક્યતા છે.આખરે બલૂચિસ્તાનથી ૯૮ કિલોમીટર દૂર અરબી સાગરમાં કાર્ગાે વિમાનનો કાટમાળ મળ્યો હતો. જાેકે, વિમાનમાં સવાર પાંચ ક્રૂ મેમ્બર્સનો કોઈ પત્તો નથી લાગ્યો. પાકિસ્તાન નેવી, એરફોર્સ અને બીજી એજન્સીઓએ વિમાન તેમ જ ક્રૂ મેમ્બર્સને શોધવા માટે ઓપરેશન શરૂ કર્યું છે. વિમાન જ્યાં તૂટી પડયું તે સ્થળે દરિયાની ઊંડાઈ ૯૮૦૦ ફૂટ જેટલી છે એટલે શોધખોળનું કામ કપરું બન્યું છે.





