તાઈવાન-ચીન-જાપાનમાં એલર્ટ, વિમાની સેવા ખોરવાઈ તાઈવાન-ચીન-જાપાનમાં વાવાઝોડું ‘ચાંપી’થી ભારે તબાહીની આશંકા ૨૨૭ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનો અને ઊંચા મોજાં સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ચેતવણી જાહેર કરાઈ પ્રશાંત મહાસાગરમાં સક્રિય થયેલું શક્તિશાળી વાવાઝોડું ‘ચાંપી’ હવે તાઈવાન તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે તાઈવાન, ચીન અને જાપાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ચેતવણી જાહેર કરવામાં આવી છે. વાવાઝોડાના કેન્દ્ર નજીક પવનની ગતિ પ્રતિ કલાક ૨૨૭ કિલોમીટર જેટલી નોંધાઈ છે. આ તોફાનના કારણે દરિયામાં ઊંચા મોજાં ઉછળવાની અને મુશળધાર વરસાદની શક્યતાને જાેતાં તાઈવાન અને જાપાનમાં ૨૨૫ થી વધુ ફ્લાઇટ્સ રદ્દ કરી દેવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે મોડી રાત્રે આ વાવાઝોડું તાઈવાનના ઉત્તર-પૂર્વીય દરિયાકાંઠાની અત્યંત નજીક પહોંચશે. ત્યારબાદ તે ઉત્તર તરફ આગળ વધી ચીનના દરિયાકિનારા પાસેથી પસાર થઈને દક્ષિણ જાપાન તરફ વળવાની સંભાવના છે. આ વાવાઝોડાનો વ્યાપ આશરે ૩૨૦ કિલોમીટર સુધી ફેલાયેલો હોવાથી તેની અસર આગામી બે દિવસ સુધી મોટા વિસ્તારમાં જાેવા મળી શકે છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો અને માછીમારોને સુરક્ષિત રહેવા માટે મોબાઈલ પર ઈમરજન્સી એલર્ટ મોકલવામાં આવ્યા છે. દરિયામાં ૬ મીટર એટલે કે આશરે ૨૦ ફૂટ જેટલાં ઊંચા મોજાં ઉછળવાનું જાેખમ છે. આ ઉપરાંત ઉત્તરીય તાઈવાન અને પાટનગર તાઈપેની આસપાસના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પૂર અને ભૂસ્ખલનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
તાઈવાનના રાષ્ટ્રપતિ લાઈ ચિંગ-તેએ નાગરિકોને સાવચેત રહેવા અને પર્વતીય કે દરિયાકાંઠાના સ્થળોએ જવાનું ટાળવા જણાવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈ પણ પ્રકારની જાનહાનિ નિવારી શકાય.
વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને તાઈવાનમાં ૧૨૫ જેટલી સ્થાનિક ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે. જાપાનના ઓકિનાવા પ્રાંતના યોનાગુની ટાપુ પરથી વાવાઝોડું પસાર થવાની શક્યતાને પગલે જાપાની એરલાઇન્સે ૧૦૦ થી વધુ ઉડાનો રદ્દ કરી છે, જેના કારણે ૧૧,૦૦૦ થી વધુ હવાઈ મુસાફરોની મુસાફરી પ્રભાવિત થઈ છે.




