
૨૦૦૦ પાઉન્ડના બંકર-બસ્ટર બોમ્બ ફેંકાયા અમેરિકી સેનાએ ઈરાનના પરમાણુ કેન્દ્રને બનાવ્યું નિશાન આ હુમલાનો મુખ્ય હેતુ ઈરાનની ભૂગર્ભ પરમાણુ સુવિધાઓ અને દારૂગોળાના ડેપોને નષ્ટ કરવાનો હતો મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત વિનાશક તબક્કે પહોંચી ગયો છે. મંગળવારે, ૩૧ માર્ચ ૨૦૨૬ના રોજ, અમેરિકી સેનાએ ઈરાનના વ્યૂહાત્મક રીતે મહત્વના શહેર ઈસ્ફહાન પર મોટો હવાઈ હુમલો કર્યો છે.મીડિયા રિપોર્ટના અહેવાલો અનુસાર, આ હુમલાનો મુખ્ય હેતુ ઈરાનની ભૂગર્ભ પરમાણુ સુવિધાઓ અને દારૂગોળાના ડેપોને નષ્ટ કરવાનો હતો.
આ હુમલાની સૌથી ભયાનક બાબત તેમાં વપરાયેલા હથિયારો છે. યુએસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈસ્ફહાન પર આશરે ૨૦૦૦ પાઉન્ડ (૯૦૭ કિલોગ્રામ) વજનના શક્તિશાળી બંકર-બસ્ટર બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. આ બોમ્બ જમીનમાં ઊંડે સુધી ઉતરીને ભૂગર્ભ બંકરોને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. હુમલા બાદ ઈસ્ફહાનમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા, જેનાથી પેદા થયેલા શોકવેવ્સ અને અગ્નિગોળાઓએ સમગ્ર વિસ્તારમાં ભારે તબાહી મચાવી છે. ૨.૩ મિલિયનની વસ્તી ધરાવતા આ શહેરમાં આવેલું ‘બદર એર બેઝ‘ પણ આ હુમલાનું મુખ્ય કેન્દ્ર હોવાનું મનાય છે.
હુમલાના થોડા સમય બાદ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં આકાશમાં ઉછળતી આગની જ્વાળાઓ અને મોટા વિસ્ફોટો સ્પષ્ટ જાેઈ શકાય છે. જાેકે તેમણે આ વીડિયો વિશે વધુ સત્તાવાર વિગતો આપી નથી, પરંતુ તે ઈસ્ફહાનમાં થયેલા વિનાશની સાક્ષી પૂરે છે. આ ઘટનાને કારણે આખા વિશ્વમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને પાકિસ્તાન, ઇજિપ્ત, સાઉદી અરેબિયા અને તુર્કી જેવા પાડોશી દેશો હવે સક્રિય થયા છે અને આ યુદ્ધને રોકવા માટે શાંતિનો માર્ગ શોધવાના પ્રયાસો તેજ કર્યા છે.





