
યુદ્ધ વચ્ચે ડૉલરનો દબદબો ખતમ થશે!.ભારત-રશિયા સહિતના BRICS દેશો ડોનાલ્ડ ટ્રમ્પને આપશે ઝટકો.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બ્રિક્સ દેશો સાથે મળીને એક નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વિકસાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો
ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક બજારમાં ભારે અસ્થિરતા જાેવા મળી રહી છે. ભારતીય રૂપિયો ડોલર સામે ૯૫ ના સ્તરને પાર કરી જતાં ભારત હવે પોતાની આર્થિક સુરક્ષા માટે સજાગ થયું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બ્રિક્સ દેશો સાથે મળીને એક નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વિકસાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
આ નવી પેમેન્ટ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવતા પ્રતિબંધો અને અમેરિકી ડોલરની અસ્થિરતાના પ્રભાવને ઓછો કરવાનો છે. આ ફ્રેમવર્ક હેઠળ બ્રિક્સ સભ્ય દેશો (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઇરાન અને UAE) સીમા-પારના વ્યવહારો સ્થાનિક ચલણમાં જ પતાવશે.
આનાથી ડોલરમાં કન્વર્ટ કરવાની ફી બચશે અને પશ્ચિમી બેંકો પરની ર્નિભરતા ઘટશે.
નિષ્ણાંતોના મતે, આ પેમેન્ટ સિસ્ટમ ભારત માટે મહત્વની વસ્તુઓની આયાત કરવા અને નાણાકીય પ્રતિબંધોથી બચવા માટે એક વીમા પોલિસી જેવું કામ કરશે. બ્રિક્સ દેશો પાસે વિશ્વના ૪૨% તેલ અને ૪૦% અનાજનું ઉત્પાદન છે, જે આ જૂથની આર્થિક તાકાત દર્શાવે છે.
જાેકે, ભારત માટે પડકાર એ છે કે આ પ્લાનથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ ન થાય. ભારત અમેરિકા સાથે વ્યાપાર કરાર કરવા માટે વાટાઘાટો કરી રહ્યું છે, તેથી ભારતે અમેરિકાને વિશ્વાસમાં લેવું પડશે કે આ સિસ્ટમ ડોલરના વિકલ્પ તરીકે નહીં, પરંતુ માત્ર વ્યવહારોને સરળ બનાવવા માટે છે. નવી દિલ્હીમાં આગામી ૧૪-૧૫ મેના રોજ યોજાનારી બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકમાં આ પેમેન્ટ કનેક્ટિવિટીના મુદ્દા પર ગંભીર ચર્ચા થવાની શક્યતા છે.





