
મહિલા અને રોબોટ વચ્ચે લડાઈ ચીનના મકાઉમાં રોબોટની ધરપકડનો મામલો પ્રકાશમાં આવ્યો રોબોટ પર ૭૦ વર્ષની મહિલા સાથે ખરાબ વર્તન અને ધમકી આપવાનો આરોપ હતો ત્યાર બાદ પોલીસે રોબોટની ધરપકડ કરી હતી
હજુ તો દુનિયામાં રોબોટનો યુગની સંપૂર્ણ રીતે શરૂઆત પણ થઈ નથી ત્યાં ચીનના મકાઉમાં રોબોટની ધરપકડનો મામલો પ્રકાશમાં આવ્યો છે. રોબોટ પર ૭૦ વર્ષની મહિલા સાથે ખરાબ વર્તન અને ધમકી આપવાનો આરોપ હતો. ત્યાર બાદ પોલીસે રોબોટની ધરપકડ કરી હતી. રિપોર્ટ્સ અનુસાર આ સમગ્ર વિવાદ એવા સમયે શરૂ થયો જ્યારે એક ૭૦ વર્ષની વૃદ્ધ મહિલાએ એક રોબોટને પોતાની પાછળ ઊભેલો જાેઈને તેને ગાંડો ગણાવી દીધો હતો. આ મામલો Unitree G1 સાથે જાેડાયેલો છે, સમગ્ર હોબાળા બાદ મહિલાને કોઈ પ્રકારની ઈજા થઈ નથી. પરંતુ પોલીસે સાવધાની માટે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
ચીન જેવા દેશમાં રોબોટ કોઈ નવી વસ્તુ નથી, પરંતુ રોબોટની ધરપકડ નવી વાત જરૂર ગણી શકાય. આ કેસ ચીનના મકાઉ શહેરનો છે. જ્યાં એક ૭૦ વર્ષની વૃદ્ધ મહિલાને હેરાન કરવી રોબોટને ભારે પડ્યું હતું. ઘટના મકાઉના પટાને વિસ્તારની હોવાનું જણાવાઈ રહ્યું છે, જ્યાં એક ૭૦ વર્ષીય વૃદ્ધ મહિલા રસ્તાના કિનારે પોતાનો ફોન ચેક કરી રહી હતી. ત્યારે એક Unitree G1 મોડલનો હ્યુમનોઇડ રોબોટ તેના ઠીક પાછળ આવીને ઊભો રહી ગયો. મહિલા પોતાની પાછળ રોબોટને જાેઈને ગભરાઈ ગઈ. ત્યાર બાદ મહિલા ચીસો પાડવા લાગી અને રોબોટ પણ સમજી શક્યો નહીં કે શું કરવું? અંતે આ મામલે પોલીસને દરમિયાનગીરી કરવી પડી.
આ ઘટનાનો વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં આ પહેલી એવી ઘટના બની ગઈ છે, જ્યારે કોઈ હ્યૂમનોઇડ રોબોટની ધરપકડનો મામલો સામે આવ્યો છે. ઇન્ટરનેટ પર કેટલાક યુઝર્સે આખી ઘટનાને રમૂજી ગણાવી અને કેટલાકે સાર્વજનિક સ્થળે રોબોટ્સથી સુરક્ષા અને તેના નિયમોને લઈને ચિંતા વ્યક્ત કરી. રિપોર્ટ્સ અનુસાર પોલીસે રોબોટના માલિકને ભવિષ્યમાં રોબોટનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. ત્યાર બાદ રોબોટને તેના માલિકને પરત સોંપી દેવામાં આવ્યો.
રિપોર્ટ્સ અનુસાર આ ઘટના ૪ ફૂટ લાંબા Unitree G1 હ્યુમનોઇડ રોબોટ સાથે જાેડાયેલી છે. આ રોબોટને શિક્ષણ અને પ્રચાર માટે બનાવવામાં આવ્યો હતો. આ રોબોટ એડવાન્સ ઓબ્સ્ટેકલ એવોઇડન્સ સિસ્ટમ અને કેમેરાથી સજ્જ છે. તેની મદદથી તે કોઈની સાથે અથડાયા વગર રસ્તો શોધી શકે છે. જાણકારોનું કહેવું છે, રોબોટ એ વિસ્તારમાંથી નીકળવા માટે મહિલા રસ્તા પરથી ખસે તે માટે રાહ જાેઈ રહ્યો હતો. જાે કે, મહિલા કે રોબોટ તેની પાછળ ઊભો છે તેને જાણકારી નહોતી અને અચાનક પોતાની પાછળ રોબોટને જાેઈને ગભરાઈ ગઈ, આખો વિવાદ શરૂ થયો.




