
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આપણે ઘણીવાર વાત વાતમાં બોલીએ છીએ કે તને આખે આખો ગળી જઈશ. તું શોધ્યો પણ નહીં જડે. આવું સામાન્ય રીતે આપણે સાંભળતા હોઈએ છીએ ત્યારે સાઉથ આફ્રિકામાં તો ૫૯ વર્ષના ગ્રેબિઅલ બતિસ્તા નામના હોટલ માલિક જે કેટલાય દિવસથી ગાયબ હતા.તેમની હોટલ પાસે આવેલી કોમાટી નામની નદીમાં પૂર આવ્યું એ પછીથી તેઓ ક્યાંય જોવા મળી રહ્યા ન હતા.
લોકોને લાગ્યુ હતું કે પૂરમાં તણાઈ ગયા હશે અથવા તો પાણીના વહેણ સાથે ક્યાંક દૂર પહોંચી ગયા હશે. પોલીસે ગ્રેબિઅલને શોધવા માટે આકાશ પાતાળ એક કરી લીધા. પણ ક્યાંય તેમનો પત્તો લાગ્યો નહીં. આખરે થોડા દિવસ પછી રેસ્ક્યુ ટીમ ને એક જાયન્ટ કદનો મગર જોવા મળ્યો. તે નદી કિનારે મળ્યો હતો. તેનું પેટ ફુલેલું હતું અને અંદરના વજનને કારણે સુસ્ત થઈને હલચલ કર્યા વગર એમ જ પડયો રહેતો હતો.
અને તેનું વર્તન સામાન્ય ન હોતું.તેને ડરાવવા છતાં તે હલતો નહોતો. તેનું પેટ જે રીતે ફુલેલું એ જોતાં રેસ્ક્યુ ટીમને શંકા ગઈ કે મગરભાઈ કદાચ આખેઆખા માણસને ગળી ગયા હોય એવું શક્ય છે. એ શંકાને આધારે રેસ્ક્યુ ટીમે વનઅધિકારીઓ પાસેથી તેને મારવાની પરવાનગી માંગી. પરવાનગી લઈને તેમણે નદી કિનારે હેલિકોપ્ટર ઉતાર્યું. અને દોરડા સાથે મગરને બાંધીને એરલિફ્ટ કરી સુરક્ષિત જગ્યાએ લઈ ગયા.
મગરનું પેટ ફાડીને જોવામાં આવ્યુ તો તેમાંથી માણસના શરીરના કેટલાક ભાગો મળ્યા.હાથ,પાંસળીઓ અને પગના હાડકાં બે ભાગમાં છુટા થઈ ગયા હતા. જોકે એક આંગળીમાં પહેરેલી વીંટીના આધારે રેસ્ક્યુ ટીમે એ મરનાર વ્યક્તિ હોટેલ માલિક ગ્રેબિઅલ જ હતો એવું પાકું કર્યું. આજ મગરના પેટમાંથી છ જોડી જૂતા પણ મળ્યા હતા. આ જૂતાં કોના હતા એ ખબર નહોતી પડી. જો કે પ્રાણી નિષ્ણાંતોનું માનવું છે કે કદાચ આ પહેલાં પણ આ મગર માણસોને ગળીને પચાવી ગયો હોવો જોઈએ.





