
દૂતાવાસે મદદ માટે માન્યો આભાર યુદ્ધની વચ્ચે ભારતીયોની દરિયાદિલીથી ઈરાન ગદગદ ઈરાન પર સંકટના સમયે ભારતીયોએ યોગદાનની રકમ ઈરાન દૂતાવાસના બેંક ખાતામાં જમા કરાવી હતી ઈરાન હાલ યુદ્ધની સ્થિતિ વચ્ચે ઝઝૂમી રહ્યું છે, ત્યારે ભારતીયોએ પોતાની દરિયાદિલી બતાવી છે. યુદ્ધ વચ્ચે ભારતીયોએ મોટી સંખ્યામાં ઈરાનને મદદ માટે યોગદાન આપતા ઈરાન ગદગદ થયું છે. આ મામલે ઈરાનના દૂતાવાસે ભારતના લોકોનો આભાર વ્યક્ત કર્યો છે.
અમેરિકા ઈરાન યુદ્ધની સ્થિતિ દરમિયાન ઈરાન પર સંકટના સમયે ભારતીયોએ યોગદાનની રકમ ઈરાન દૂતાવાસના બેંક ખાતામાં જમા કરાવી છે. માનવતા દાખવી મદદરૂપ થનારા તમામ ભારતીયોનો દૂતાવાસે દીલથી આભાર માન્યો હતો. આ અંગે દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ મૂકી જાણકારી આપી હતી.
ઈરાની દૂતાવાસે ફંડ મોકલતી વખતે ટ્રાન્ઝેક્શનમાં કોઈ સમસ્યા ન સર્જાય તેને લઈને નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. દૂતાવાસે સ્પષ્ટતા કરી છે કે, યોગદાન મેળવવા માટે તેમનું બેંક ખાતું સંપૂર્ણપણે કાર્યરત છે. આમ, કોઈ પણ વ્યક્તિ બેંક ખાતામાં સીધું ફંડ ટ્રાન્સફર કરી શકે છે.
ડિજિટલ પેમેન્ટને લઈને દૂતાવાસે સ્પષ્ટતા કરી જણાવ્યું કે, ગૂગલ પે કામ કરતું ન હોવાથી તેમણે લોકોને તેનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. તેમજ UPI થકી પણ પેમેન્ટ કરવાની સુવિધા નથી. દૂતાવાસે જણાવ્યું કે, UPI ના પેમેન્ટના વિકલ્પની વ્યવસ્થા હાલમાં કરવામાં આવી રહી છે. ઈરાનના દૂતાવાસે જણાવ્યું કે, જાે યોગદાન મોકલવામાં કોઈ તકલીફ પડી રહી હોય તો લોકો અન્ય કોઈ બેંક ખાતાનો ઉપયોગ કરીને ફંડ મોકલી શકે છે અથવા તો થોડા સમય બાદ ફરીથી કોશિશ કરી શકે છે. આ સાથે, જાહેર કરાયેલા મોબાઈલ નંબર પર મેસેજ મોકલવા દૂતાવાસે અપીલ કરી છે.




