જાપાનની ભારત પાસે મિસાઈલ પરીક્ષણ માટે માગ લાંબા અંતરની મિસાઈલો માટે જાપાન ભારતની સુવિધા વાપરવા ઉત્સુક જાપાની લશ્કરી પ્રતિનિધિમંડળે ભારતની ફાયરિંગ રેન્જનું નિરીક્ષણ કર્યું, સંરક્ષણ સહયોગ અંગે ચર્ચા કરી જાપાને લાંબા અંતરની મિસાઈલોનું પરીક્ષણ કરવા માટે ભારત પાસે ટેસ્ટિંગ ફેસિલિટી ઉપલબ્ધ કરાવવાની માગ કરી છે. જાપાનનું લશ્કરી પ્રતિનિધિમંડળ ગયા સપ્તાહે ભારતની મુલાકાતે આવ્યું હતું. આ દરમિયાન પ્રતિનિધિમંડળે મિસાઈલ પરીક્ષણ માટેની સુવિધાઓ અને ફાયરિંગ રેન્જનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ સમુદ્રમાં રહેલા લક્ષ્યો પર પ્રહાર કરતી મિસાઈલોનો ઉપયોગ અને ડ્રોન હુમલાનો સામનો કરવાની પદ્ધતિઓ અંગે પણ ચર્ચા થઈ હતી.જાપાનના મીડિયા અહેવાલો અનુસાર, જાપાનના ચીફ ઓફ સ્ટાફ જનરલ અરાઈ માસાયોશીએ ૨૭ ઓક્ટોબરે પત્રકાર પરિષદમાં ભારત સાથે સંરક્ષણ ક્ષેત્રે સહયોગ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સંરક્ષણ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા અને ભારતીય પ્રતિનિધિઓ સાથે સંકલન સાધવા જાપાની ટુકડીઓને ભારત મોકલવામાં આવી હતી. જાપાનના સરકારી પ્રસારણકર્તા NHK ના અહેવાલ મુજબ, જાપાનના સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ ઓક્ટોબરના મધ્યમાં ભારત આવ્યા હતા અને લગભગ એક સપ્તાહ રોકાયા હતા. આ દરમિયાન તેમણે પરીક્ષણ સુવિધાઓ તથા ફાયરિંગ રેન્જની મુલાકાત લીધી હતી.જનરલ અરાઈએ જણાવ્યું હતું કે સમુદ્રમાં રહેલા જહાજાે પર પ્રહાર કરી શકે તેવી લાંબા અંતરની મિસાઈલોનું પરીક્ષણ કરવું પડકારજનક હોય છે. તેમણે ભારતની મિસાઈલ ક્ષમતાનો ઉલ્લેખ કરતાં અગ્નિ-૫ મિસાઈલનું ઉદાહરણ આપ્યું હતું, જે આશરે ૫,૦૦૦ કિલોમીટર દૂર સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. જાપાન પાસે હાલમાં સેંકડો કિલોમીટર દૂર સુધી ચોક્કસ પ્રહાર કરી શકે તેવી સ્ટેન્ડ-ઓફ મિસાઈલો છે. જાેકે, તેની સંરક્ષણ જરૂરિયાતો માટે વધુ લાંબા અંતર સુધી પ્રહાર કરી શકે તેવી મિસાઈલ ક્ષમતા વિકસાવવાની દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે.ભારતની મુલાકાત દરમિયાન જાપાનના સંરક્ષણ મંત્રી શિન્જિરો કોઈઝુમી સાથે પણ સંરક્ષણ સહયોગ સંબંધિત ચર્ચાઓ થઈ હતી. નવી દિલ્હીના માણેકશા સેન્ટરમાં પરસ્પર સુરક્ષા અને દરિયાઈ સુરક્ષા સંબંધિત સમજૂતી કરારો (MoU) થયા હોવાનો અહેવાલ છે. ભારત અને જાપાન વચ્ચે વધતો સંરક્ષણ સહયોગ બંને દેશો માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વનો છે. જાેકે, જાપાનને ભારતની મિસાઈલ પરીક્ષણ સુવિધાઓનો ઉપયોગ કરવાની મંજૂરી અંગેની અંતિમ વિગતો સ્પષ્ટ થવાની બાકી છે.




