Nepal PM : કેપી શર્મા ઓલીએ સોમવારે ચોથી વખત નેપાળના વડાપ્રધાન તરીકે શપથ લીધા. જણાવી દઈએ કે નેપાળની સૌથી મોટી કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાને રવિવારે રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલ દ્વારા નવી ગઠબંધન સરકારનું નેતૃત્વ કરવા માટે નેપાળના વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે હિમાલયના રાષ્ટ્રમાં રાજકીય સ્થિરતા પ્રદાન કરવાના મુશ્કેલ પડકારનો સામનો કરી રહી છે. 72 વર્ષીય ઓલી પુષ્પ કમલ દહલ ‘પ્રચંડા’નું સ્થાન લેશે, જેમણે શુક્રવારે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં વિશ્વાસ મત ગુમાવ્યો હતો. જે બાદ કેપી શર્મા ઓલીના નેતૃત્વમાં નવી સરકારની રચના કરવામાં આવી હતી.
નેપાળી કોંગ્રેસનું સમર્થન મળ્યું
સંસદની સૌથી મોટી પાર્ટી નેપાળી કોંગ્રેસના સમર્થનથી કેપી શર્મા ઓલી વડાપ્રધાન બન્યા છે. રાષ્ટ્રપતિ ભવનની મુખ્ય ઇમારત શીતલ નિવાસ ખાતે રાષ્ટ્રપતિ પૌડેલે ઓલીને શપથ લેવડાવ્યા હતા. ઓલીએ હવે બંધારણીય આદેશ મુજબ તેમની નિમણૂકના 30 દિવસની અંદર સંસદમાંથી વિશ્વાસનો મત મેળવવો પડશે. ઓલીને 275 સીટ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ઓછામાં ઓછા 138 વોટની જરૂર પડશે.
ઓલીને ચીનના સમર્થક માનવામાં આવે છે
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ કેપી શર્મા ઓલી નેપાળના વડાપ્રધાન રહી ચુક્યા છે. તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન કેપી શર્મા ઓલીના ભારત સાથેના સંબંધો ખૂબ જ તંગ હતા. કેપી શર્મા ઓલીને ચીનના સમર્થક માનવામાં આવે છે. ઓલીના પીએમ તરીકેના કાર્યકાળ દરમિયાન કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખનો વિવાદ ખૂબ જ ગંભીર બની ગયો હતો. ઓલીએ ભારતના આ વિસ્તારો પર નેપાળનો દાવો દાખવ્યો હતો. આવી સ્થિતિમાં, માનવામાં આવે છે કે ઓલી ફરી સત્તામાં આવ્યા પછી, આ મુદ્દો ફરીથી બંને દેશો વચ્ચે તણાવનું કારણ બની શકે છે.