
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ.ફિલિપાઇન્સમાં ૫૦૦થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર.આગની જ્વાળાઓ ઉંચી સુધી પહોંચી હતી : કાળા ધુમાડાથી વાતાવરણ દૂર દૂર સુઘી ભરાઇ ગયું હતું.૧૨ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ, સાંજે ૬;૩૮ વાગ્યે, ફિલિપાઇન્સની રાજધાની મનીલાના મંડલુયોંગ શહેરમાં એક ગીચ વસ્તીવાળા રહેણાંક વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ બ્લોક ૫, નુએવા ડી ફેબ્રેરો, બારંગે પ્લેઝન્ટ હિલ્સમાં શરૂ થઈ હતી અને ઘરોમાં વૂડનનો વધુ ઉપયોગ થયો હોવાથી આગે પળવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
જ્વાળાઓ ઉંચી ઉંચી પહોંચી ગઇ હતી અને કાળો ધુમાડો માઈલો સુધી દેખાતો હતો, જેના કારણે સાંજનું આકાશ પણ કાળું ડિબાંગ થઈ ગયું હતું અને આ વિસ્તારની વિઝિબિલિટી પણ ડાઉન થઇ ગઇ હતી. ૭:૧૯ વાગ્યા સુધીમાં, આગ મોટા વિસ્તારમાં મોટાપાયે ફેલાઈ ચૂકી હતી.
ફાયર વિભાગે ૨૦ થી વધુ ફાયર ટ્રક અને આસપાસના વિસ્તારોમાંથી ટીમો તૈનાત કરી હતી. મધ્યરાત્રિ સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ નુકસાનનું મૂલ્યાંકન હજુ પણ ચાલુ છે. આગને કારણે આશરે ૫૦૦ પરિવારો બેઘર થઈ ગયા હતા અને તેમના ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ ઈજા કે મૃત્યુના અહેવાલ નથી.
મેટ્રો મનીલાના ગરીબ વિસ્તારોમાં આગ વારંવાર લાગે છે કારણ કે, ઘરો એકબીજાની ખૂબ નજીક છે. વિસ્તાર ખુબ જ ગીચ છે જેથી રેસ્ક્યુ ઓપરેશન અને આગ ઓલવવાનું કામ પણ કપરૂ બને છે આગ માટે અહીં ખરાબ ઇલેક્ટ્રિકલ વાયરિંગ પણ જવાબદાર છે. શેરીઓ સાંકડી છે, જેના કારણે ફાયર એન્જિનો સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે. આ ઘટના ફરી એકવાર આગની સુરક્ષાની સમસ્યાને ઉજાગર કરે છે.
અગાઉ, ૬ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ, ટોન્ડોના હેપ્પીલેન્ડ એરોમા વિસ્તારમાં મોટી આગ લાગી હતી, જેના કારણે સેંકડો પરિવારો પ્રભાવિત થયા હતા. સપ્ટેમ્બર ૨૦૨૫ માં, ટોન્ડોમાં બે અલગ અલગ જગ્યાએ આગ લાગી હતી: ૧૩ સપ્ટેમ્બરના રોજ હેપ્પીલેન્ડમાં એક, જેમાં આશરે ૧,૧૦૦ પરિવારો પ્રભાવિત થયા હતા, અને બીજા દિવસે બીજી આગ લાગી હતી જેમાં અનેક ઘરો ખાક થઇ ગયા હતા.
નવેમ્બર ૨૦૨૪ માં, ટોન્ડોના ઇસ્લા પુટિંગ બાટો વિસ્તારમાં એક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં આશરે ૧,૦૦૦ ઘરો બળીને ખાખ થઈ ગયા હતા અને ૮,૦૦૦ થી વધુ લોકો બેઘર થઈ ગયા હતા. આગ આઠ કલાક સુધી સળગી રહી હતી, અને હેલિકોપ્ટરથી પાણી રેડવામાં આવ્યું હતું. માર્ચ ૨૦૨૪ માં, ટોન્ડોના હેપ્પીલેન્ડમાં આગ લાગી હતી, જેમાં ફાયરની ટીમ પર હુમલો પણ થયો હતો. ડિસેમ્બર ૨૦૨૩માં હેપ્પીલેન્ડમાં આગ લાગવાથી ૧,૫૦૦થી વધુ લોકો બેઘર થયા હતા. ૨૦૧૭ માં, એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આગ લાગવાથી ૧૫,૦૦૦ લોકો બેઘર થયા હતા.




