
પૈસા ચૂકવનાર અરજદારોની અરજીનો નિકાલ ૧૫ દિવસમાં કરી દેવાય છે: DHS ૨ લાખથી વધુ અરજદારોએ H1B વિઝા માટે ૧ લાખ ડોલર ચૂકવ્યાં હોમલેન્ડ સિક્યુરિટી વિભાગને નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે એચ૧-બીની ૨.૮૫ લાખ જેટલી અરજીઓ મળી
અમેરિકામાં કામ કરવા માટે આશરે ૨ લાખથી વધુ અરજદારોએ એચ-૧બી વિઝા માટે ૧ લાખ ડોલર ચૂકવ્યાં છે, તેમ ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના સચિવ માર્કવેન મુલિને જણાવ્યું હતું. અમેરિકન સંસદની એક સમિતિ સમક્ષ ઉપસ્થિત રહેલાં મુલિને જણાવ્યું હતું કે, હોમલેન્ડ સિક્યુરિટી વિભાગને નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે એચ૧-બીની ૨.૮૫ લાખ જેટલી અરજીઓ મળી છે. અમેરિકાના ગ્રામીણ વિસ્તારોમાં ડોક્ટરોની તંગી અંગેના એક પ્રશ્નના જવાબમાં મુલિને જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં એચ૧-બી વિઝા માટે મળેલી કુલ ૨.૮૬ લાખ અરજીઓમાંથી બે લાખ જેટલાં અરજદારોએ વિઝા માટે એક લાખ ડોલરની ચૂકવણી કરી દીધી છે, જેથી તેમની અરજીઓનો ઝડપી નિકાલ થતાં તેઓ અમેરિકા આવીને કામ કરી શકે. મુલિને વધુમાં જણાવ્યું હતું કે, જે અરજદારોએ એક લાખ ડોલરની ચૂકવણી કરી દીધી છે તેમની અરજીઓનો નિકાલ ૧૫ દિવસમાં કરી દેવાય છે, જ્યારે બાકીની અરજીઓનો નિકાલ કરવામાં આશરે ૭.૫ મહિના જેટલો સમય લાગે છે. સેનેટના એક સાંસદ સુસાન કોલિન્સે જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારોમાં તબીબી સેવા પૂરી પાડતાં લોકોને અન્ય સેક્ટરમાં હાઈ-સ્કીલ્ડ કર્મચારીઓની ભરતી કરતી કંપનીઓ કરતાં અલગ ગણી તેમને પ્રાથમિકતા અપાવી જાેઈએ. આ સાથે જ તેમણે મેડિકલ પ્રોફેશ્નલ્સને આવી ફીમાંથી મુક્તિ આપવાની માગ કરતાં જણાવ્યું હતું કે, અનેક વિસ્તારોમાં તબીબો અને તબીબી સેવાઓ ઉપલબ્ધ નથી ત્યારે આ બાબતે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. કોલિન્સે વધુમાં જણાવ્યું હતું કે, કેલિફોર્નિયા અને સિલિકોન વેલીમાં અન્ય દેશોમાંથી કમ્પ્યુટર નિષ્ણાતોને કામ કરવા લાવવા અને તબીબોની અછત ધરાવતાં ગ્રામીણ વિસ્તારમાં તબીબોને લાવવા એ બંને વચ્ચે મોટો તફાવત છે.





