પેરિસમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ ફ્રાંસમાં મોંઘવારી સામે જનઆક્રોશ ભડકી ઉઠ્યો સતત ચોથા સપ્તાહે વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યાં; પોલીસે ટીયર ગેસ છોડ્યો, બે આયોજકો સહિત અનેકની ધરપકડ ફ્રાંસમાં વધતી મોંઘવારી અને જીવનનિર્વાહના ખર્ચ સામે લોકોનો રોષ સતત વધી રહ્યો છે. રાજધાની પેરિસ સહિત દેશના વિવિધ વિસ્તારોમાં સતત ચોથા સપ્તાહે વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. શનિવારે પેરિસમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં પરિસ્થિતિ તંગ બની હતી. ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો અને કેટલાક પ્રદર્શનકારીઓની ધરપકડ પણ કરી હતી. મળતી માહિતી અનુસાર, ફ્રાંસના નાગરિકો વધતી મોંઘવારી, જીવનજરૂરી ચીજવસ્તુઓના ઊંચા ભાવ અને જાહેર સેવાઓની કથળતી સ્થિતિ સામે રસ્તા પર ઉતર્યા છે. શિક્ષણ અને અન્ય જાહેર સુવિધાઓમાં પડતી મુશ્કેલીઓ પણ વિરોધનું મુખ્ય કારણ બની છે. શનિવારે પેરિસમાં યોજાયેલી રેલી પર પ્રતિબંધ હોવા છતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે તણાવ સર્જાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રદર્શન દરમિયાન કેટલાક લોકોએ જાહેર રસ્તા પર આગ લગાવી હતી. આશરે ૨૦૦ લોકોના એક જૂથે પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસ છોડ્યો હતો અને ટોળાને વિખેરવાની કાર્યવાહી હાથ ધરી હતી. રેલીના પ્રતિબંધનો ભંગ કરવા બદલ બે આયોજકોની ધરપકડ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. શનિવારે ફ્રાંસના વિવિધ શહેરોમાં મોંઘવારી અને જીવનનિર્વાહના વધતા ખર્ચ સામે મોટા પાયે રેલીઓ યોજાઈ હતી. છેલ્લા ચાર સપ્તાહથી ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શનોમાં નાગરિકોનો આક્રોશ સતત વધી રહ્યો છે. ત્રણ દિવસ અગાઉ યોજાયેલા વિરોધ પ્રદર્શનો મોટાભાગે શાંતિપૂર્ણ રહ્યા હતા, પરંતુ શનિવારે પેરિસમાં સ્થિતિ ઉગ્ર બની હતી.
ફ્રાંસમાં ચાલી રહેલા આંદોલન પાછળ વધતો જીવનનિર્વાહ ખર્ચ, મોંઘવારી, શિક્ષણ અને જાહેર સેવાઓની સમસ્યાઓ મુખ્ય કારણો હોવાનું જણાવવામાં આવે છે. સામાન્ય નાગરિકો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે સરકાર સામે વિરોધનો સૂર વધુ તેજ બન્યો છે. સતત વધી રહેલા દેખાવો વચ્ચે વહીવટી તંત્ર અને પોલીસ માટે કાયદો-વ્યવસ્થા જાળવવાનો પડકાર ઊભો થયો છે.




